મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ અને બાયડ નજીક આવેલી વાત્રક હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૧૩૭ દર્દીઓ માંથી ૧૧ દર્દીઓનું કોરોનાથી મોત નીપજ્યું છે. મોડાસા શહેરમાં કોરોના ભયાવહ સાબિત થઇ રહ્યો હોય તેમ ૪૬ લોકો કોરોનામાં સપડાયા હતા. જેમાંથી ૮ લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જીલ્લામાં ૧૧૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. મોડાસાની ક્રિષ્ણપ્રિયચાર્ય સોસાયટીમાં રહેતા વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ઉભી કરાયેલી બંને કોવીડ-19 હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની તબિયત લથડતાની સાથે હિંમતનગર કોવીડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જીલ્લાના પ્રજાજનોમાં આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસનો ભોગ બનેલા અને જીલ્લાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી મૃત્યુ પામેલા મોટા ભાગના દર્દીઓને હિંમતનગર રીફર કરવામાં આવ્યા હતા. એટલે કે જીલ્લાની બંને કોવીડ-૧૯ હોસ્પિટલમાં માત્ર ગંભીર ન હોય તેવા જ દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાથી અને કોરોનાગ્રસ્ત દર્દીને ઓક્સીજન લેવામાં તકલીફ પડે કે પછી સ્થિતિ ગંભીર થવાની શરૂઆત થાય કે તરત જ હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં ધક્કો મારી દેવામાં આવતો હોવા સાથે લોકોમાં જીલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉભી કરાયેલી હોસ્પિટલને કોવીડ-૧૯ ગણવી કે ફકત ક્વોરેન્ટાઈન સેન્ટર તે પ્રશ્ન મુંજવી રહ્યો છે.

અરવલ્લી જીલ્લામાં ઉભી કરવામાં આવેલી બંને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓના સારવારની કોઈ અદ્યતન સિસ્ટમ નથી કે પછી હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટે સારવાર આપી શકે તેવા તબીબો અને આરોગ્ય કર્મીઓની ઉણપ..!! સહીત અનેક ચર્ચાએ જોર પકડ્યું છે લોકોમાં હિંમતનગર કોવીડ -૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ કોરોના સામે જંગ હારી જતા મોતને ભેટી રહ્યા હોવાથી ભય જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે જે પણ કોરોનાના દર્દીને હિંમતનગર રિફર કરવામાં આવે તે ભાગ્યે જ જીવંત પાછા આવશે.

મોડાસાના ઇમરાન સદા નામના યુવકને બ્લડ પ્રેસર અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા ત્રણ દવાખાનાઓમાં પરિવારજનો સારવાર લેવા માટે ફર્યા હતા પરંતુ સરકારી ગાઈડ લાઈન પ્રમાણે સારવારનો ઇન્કાર કરતા યુવાનને મોડાસા કોવીડ -19 હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી એમ્બ્યૂલન્સ મારફતે હિંમતનગર ખાતે રિફર કરવામાં આવતા એમ્બ્યૂલન્સને અકસ્માત નડતા બીમાર યુવકે દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કોવીડ-19 હોસ્પિટલમાં શું ગંભીર દર્દીના ઇલાજ માટે પુરતી સુવિધા નથી...? તો પછી આવી હોસ્પિટલોને ક્વોરેન્ટાઈન સેન્ટરથી વધુ કઇ ન કહી શકાય..!! તેવા પ્રશ્નો આરોગ્ય તંત્ર સામે ઉઠાવી રહ્યા છે.