મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના નવાનગર ગામમાં નવા વર્ષનો દિવસ રક્તરંજીત બન્યો હતો. જેમાં લોહીના સબંધો લજવાયા હતા નવાનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા સાથે કૌટુબિંક કાકો મજાક મસ્તી કરતો રહેતો હતો. નવા વર્ષના દિવસે માતા સાથે ઘરની બહાર બેઠેલી સગીરાની વધુ એક વાર મજાક કરતા સગીરાને કૌટુંબીક કાકાની વર્તણુક સારી ન લાગતા સગીરાએ અને તેના માતા-પિતાએ મજાક બંધ કરવાનું કહી ઠપકો આપતા કૌટુંબિક કાકો ઉશ્કેરાઈ ગયો હતો અને સગીરાના માતા-પિતાને બીભસ્ત ગાળો બોલી લોંખડની પાઇપ વડે હુમલો કરતા સગીરાના પિતાના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બેભાન થઇ પટકાઈ પડતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. સમગ્ર પંથકમાં કૌટુંબિક હત્યારા કાકા સામે ભારે આક્રોશ છવાયો હતો. ધનસુરા પોલીસે હત્યાની ઘટનાના પગલે નવાનગર દોડી ગઈ હતી. 

ધનસુરા તાલુકાના નવાનગર ગામમાં રહેતો વિજય બચુભાઈ ડામોર નામનો યુવક તેના કૌટુંબીક ભાઈની ૧૩ વર્ષીય સગીર દીકરી સાથે મજાક કરતા સગીરાએ મજાક કરવાનું ના પાડતા અને સગીરાના માતા-પિતાએ વિજય ડામોરને ઠપકો આપતા વિજય ડામોર ઉશ્કેરાઈ જઈ ઘરેથી લોંખડની પાઈપ લઈ આવી સગીરાના માતા-પિતા સાથે ઝગડો કરી બીભસ્ત ગાળો બોલી સગીરાના ૪૦ વર્ષીય પિતાના માથાના ભાગે પાઈપના બે ત્રણ ફડાકા ઝીંકી દેતા પત્ની તેના પતિને બચાવવા વચ્ચે પડતા તેને પણ પાઇપ ઘા ઝીંકી વિજય ફરાર થઇ ગયો હતો. સગીરાના પિતા લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ જતા તેમની પત્ની સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં સગીરાના પિતાનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. સગીરાની માતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં વિજય બચુભાઈ ડામોર સામે હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.