મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી તરીકે સ્વચ્છ છબી ધરાવતા અને સતત જીલ્લાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા ર્ડો.અનીલ ધામેલીયા એક તુમાખી ભર્યાં વિવાદાસ્પદ નિર્ણયને લઈને ચર્ચામાં આવી ગયા છે. જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ બે મહિના અગાઉ વિડીયો કોન્ફરન્સમાં ભિલોડા વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ ઇસ્માઇલભાઈ ચડીને ભિલોડા વિસ્તારમાં ઘરવિહોણા લોકોને ઘર મળી રહે તે માટે ગામતળ નીમ કરવા બાબતે તાકીદ કરતા વિસ્તરણ અધિકારી ભીખાભાઇ પટેલે તેમના વિસ્તાર અંગે અવગત કરતા જીલ્લા વિકાસ અધિકારી અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ ગયા હોય તેમ જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે જાહેરમાં કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા વિસ્તરણ અધિકારી સમસમી ઉઠ્યા હતા અને આખરે તેમને જીલ્લા વિકાસ અધિકારીએ અપમાનજનક વર્તણુક અંગે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં લેખિત રજુઆત કરતા ખળભળાટ મચ્યો છે. રાજ્ય આયોગ વિભાગે અધિક મુખ્ય સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ અને અરવલ્લી જીલ્લા કલેકટરને નોટિસ આપી ૧૫ દિવસમાં અહેવાલ સુપ્રત કરવા તાકીદ કરતા જીલ્લા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઇ છે.
 
 
 
 
 
અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ ૧૧ જાન્યુઆરીએ વિડીયો કોન્ફ્રન્સ યોજી જેમાં ઘરવિહોણા લોકો માટે પ્લોટ ફાળવવા ગ્રામ પંચાયતમાં પૂરતું ગામતળ ન હોય તો ગામતળ નીમ કરવા ફરજીયાત જરૂરી દસ્તાવેજ તૈયાર કરી તાલુકા પંચાયતમાં મોકલી આપવા જણાવતા ભિલોડા વિસ્તરણ અધિકારી ભીખાભાઇ ચડીએ ભિલોડા તાલુકામાં અમુક ગામોમાં પુરેપુરી આદિવાસી સમાજની વસ્તી હોવાથી તેવી પંચાયતમાં સરકારી પડતર કે ગૌચર જમીન ન હોવાનું અને જંગલની અનામત જગ્યા ગામતળ નીમ થઇ શકે એમ ન હોવાનું જણાવતા જીલ્લા વિકાસ અધિકારી જાણે મગજ પર કાબુ ગુમાવ્યો હોય તેમ વિસ્તરણ અધિકારી ભીખાભાઇ ચડીને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કાન પકડવા અને ઉઠક બેઠક કરવા જણાવતા ડઘાઈ ગયા હતા. પરંતુ નોકરીમાં અડચણ ઉભી ન થાય તે માટે તેઓએ કાન પકડી ઉઠક બેઠક કરી લીધી હતી. આ ઘટના પછી વિસ્તરણ અધિકારી અપમાનજક સ્થીતીમાં મુકનાર જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયા સામે રાજ્ય માનવ અધિકાર આયોગમાં લેખિત રજુઆત કરતા આયોગે અધિક મુખ્ય સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ અને અરવલ્લી જીલ્લા કલેકટરને નોટિસ આપી ૧૫ દિવસમાં અહેવાલ સુપ્રત કરવા તાકીદ કરી છે.
ભિલોડા વિસ્તરન અધિકારી ભીખાભાઇ ચડીએ જીલ્લા વિકાસ અધિકારી સામે માનવ અધિકાર આયોગમાં લેખીત રજુઆત કર્યા બાદ આયોગે નોટીસ આપી જીલ્લા કલેકટરને ૧૫ દિવસમાં રિપોર્ટ કરવા તાકીદ કરતા જીલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચ્યો છે ત્યારે સહજ છબી ધરાવતા જીલ્લા વિકાસ અધિકારીની ગેરવર્તણૂક ટીકાને પાત્ર બની છે.