મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ  મોડાસા તાલુકાની ડુગરવાડા ગ્રામપંચાયતમાં સરપંચ તેમજ સભ્યો દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કામ કરવામાં આવ્યું છે. તેમજ નાણાંકીય ગેરરિતી પણ થઈ હોવાનું ફલિત થતાં સાથે પૂર્વ મંજૂરી વગર કામો કરી નાણાં ચુકવી દેવાના પગલે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ મોડાસા તાલુકાની ડુગરવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ  તેમજ સદસ્યોને નોટીસ પાઠવી તમને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા તે અંગે ખુલાસો આપવા જણાવ્યું હતું..જેમાં યોગ્ય ખુલાસા કરવામાં નિષ્ફળ રહેતા મહિલા સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડને સત્તાનો દુરઉપયોગ કર્યો અને ફરજોમાં બેદરકારી દાખવતા સરપંચ પદેથી બરતરફ કરાયા છે.

 ગ્રામપંચાયતોમાં કેટલીકવાર સદસ્યો કે સરપંચ દ્વારા નિયમોના વિરૂધ્ધમાં જઈને કામો કરવામાં આવતા હોય છે. વહીવટને જાણે પોતાના ખિસ્સામાં રાખતા હોય તેમ મનસ્વી નિર્ણયો લઈ મનસ્વી રીતે કામો કરતા હોય છે. ત્યારે મોડાસા તાલુકાના ડુગરવાડા ગામની ગ્રામપંચાયતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગ્રામપંચાયતના સરપંચ તેમજ સદસ્યો દ્વારા વહીવટીય પૂર્વ મંજૂરી વગર જ કામો કરાવી દીધા હોવાની સાથે નાણાકીય ગેરરિતી અંગે પણ ડીડીઓ સમક્ષ આવ્યું હતું. તાંત્રિક મંજૂરી લીધા પહેલાં સાગવા ગામે કૂવો ઉંડો કરવાનું કામ પુરુ કર્યા પછી તાંત્રિક મંજૂરી લીધી હતી. બાદમાં વહીવટી મંજૂરી માટે તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મળી ગયેલ છે તેવું ખોટી રીતે દર્શાવી ઉપલી કચેરીને ગેરમાર્ગે દોરી પૂર્વ મંજૂરી વગર કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ગુજરાત પંચાયત બાંધકામો અને વિકાસ યોજનાના નિયમો મુજબ સક્ષમ સત્તાધિકારીની જે સત્તા મર્યાદામાં તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવીને જ પછી કામગીરી હાથ ધરવાની હોવાના નિયમો હોવા છતાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને મનસ્વીપણે કામ કરાવી ૧,૪૨,૦૦૦નો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો સહિતના કેટલાય કામોમાં મનસ્વીપણે કામ કરાવવા, તંત્રની મંજૂરી ન લેવી તેમજ નાણાંકીય ગેરરિતી પણ ડુગરવાડા ગ્રામપંચાયતમાં થઈ હોવાનું તંત્રને ધ્યાને આવતાં ડુગરવાડા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડ યોગ્ય ખુલાસા કરવામાં નિષ્ફ્ળ રહેતા જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ ગુજરાત પંચાયત અધિનયમ ૧૯૯૩ ની કલમ ૫૫ મુજબ હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

DDOએ કયા કયા કામો મંજૂરી વગર તેમજ નાણાંકીય ગેરરિતી વાળા અંગે નોટિસ પાઠવી

૧. સાગવા કામે કૂવો ઉંડો કરવાનું કામ પુરુ કર્યા પછી તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મેળવી હોવાનું ખોટી રીતે દર્શાવી

૨. સત્તાધિકારીની સત્તા મર્યાદામાં તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી વગર ૧૪૨૦૦૦નો ખર્ચ કરાયો

૩. ગ્રામપંચાયત પાસે પુરતું બેલેન્સ ન હોવા છતાં ચેક ઈસ્યુ કરવામાં આવ્યો

૪. લોકસભા-૨૦૧૯ની ચૂંટણીની આચારસંહિતાના આધારો લઈ મંજૂરી ઝડપી મળી શકે તેમ નથી તેવું બતાવી પાણીની સમસ્યા સુલઝાવવા કામ કરેલ છે તેવું દર્શાવ્યું અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૨૩ જુલાઈના રોજ કામની પૂર્ણતાના પ્રમાણપત્ર સીવાય નાણાંની ચુકવણી કરવામાં આવી.

૫. બજેટમાં જોગવાઈ ન હોવા છતાં ખર્ચ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરિતી આચર્યાનું માલુમ પડ્યું

૬. સત્તાનો દુરુપયોગ કરી વગર મંજૂરીએ નાણાં ચુકવેલ હોવાથી ગેરરિતી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે.

૭. સંબંધિત તલાટી કમ મંત્રીને કારણોદર્શક નોટીસ આપતાં તેઓએ જણાવ્યું હતું કે આ કામ દબાણપૂર્વક તેમના પાસે કરવાવમાં આવ્યું છે.

૮. નિયમોનુસાર અને પરવાનગી ન મેળવેલ હોવા છતાં કરવામાં આવેલ ખર્ચને પણ તે પછીની ગ્રામપંચાયતની બેઠમાં બહાલી આપવામાં આવી હોવાથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

૯. નવ હજારનું ચુકવણું કયા કામ માટે કરેલ છે તેની કોઈ સ્પષ્ટતા રોજમેળ કે નમુના નં-૧૫માં કરવામાં આવી ન હોવાથી નાણાંકીય નિતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

૧૦. ગ્રામપંચાયતના કારકુન પટાવાળા તરીકે નોકરી કરતા કર્મચારીને દહાડીયા પત્રકથી ચુકવણું કરેલ છે. તેમજ પગારનું ચુકવણું પણ કરવામાં આવ્યું હોવાથી નાણાંકીય ગેરરિતી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે.