મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સા ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન તથા મહિલાઓ, યુવતીઓની થતી રંજાડ સામે મદદ પુરી પાડવા ૧૮૧ અભયમ હેલ્પલાઈની શરૂઆત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે. અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં આવીજ એક ઘટના સામે આવી છે. જેમાં પિયર સુવાવડ માટે ગયેલી મહિલાને તેના પરિવારજનોએ ગોંધી રાખતા પતિએ ૧૮૧ અભયમ હેલ્પ લાઈનની મદદથી પત્નીને પરત મેળવતા પતિ- પત્ની ભેટી પડી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

મોડાસા તાલુકાના સરડોઇ પંથકમાં સુવાવડ કરાવવા પિયરમાં આવેલી દીકરીને તેના પરિવારજનોએ સુવાવડ કરાવ્યા પછી તેમનો જમાઈ કઈ કામધંધો કરતો નથી અને સુવાવડનો ખર્ચો પણ વધુ થતા ખર્ચ પણ ન આપતા પરિવારજનોએ તેમની દીકરીને ૧૨ મહિનાથી સાસરીએ મોકલવાની ના પડી દેતા પતિએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. અરવલ્લી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર શિલ્પા ગામીત અને કોન્સ્ટેબલ પિન્ટુ મકવાણા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચતા પિયરમાં સુવાવડ કરવા આવેલી મહિલાએ તેના પપ્પા તેને પતિ સાથે જવા દેતા ન હોવાનું જણાવતા કાઉન્સિલરે યુવતીના પિતા અને પરિવારજનોને સમજાવી કાયદાનો ડર બતાવતા જમાઈ પાસે સુવાવડનો ખર્ચ માંગી તેની દીકરીને સાસરીમાં કઈ પણ થશે તો જવાબદારી અમારી રહેશે નહીંનું લખાવી લઈ તેમની દીકરીને પતિ સાથે સાસરીએ મોકલી આપી હતી. પિયરમાં ગોંધી રાખેલી પત્નીનો છુટકારો થતા અને પતિ-પત્નીનું ૧૨ મહિના પછી મિલન થતા ૧૮૧ અભયમ ટીમે દંપતીનો લગ્ન સંસાર તૂટતો અટકાવામાં સફળતા મળી હતી.