મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં  દિવાળીના તહેવારોમાં લોકો કોરોના  સંક્રમણની અવગણના કરી હર્ષોલ્લાસ સાથે ખરીદી કરી અને ઉજવણીમાં મસ્ત બન્યા હતા. તહેવારોની રંગે ચંગે ઉજવણી પછી રોજબરોજ નવા કેસો ઉમેરાતા જાય છે. દિવાળીના તહેવારો દરમિયાન મોડાસા સહિત જિલ્લાના અનેક સ્થળે તહેવારોની ખરીદી માટે લોકોએ બજારમાં ખુબજ ધસારો કર્યો હતો. જ્યા અનેક લોકો તો કોરોનાના ભયને બાજુએ મુકી માસ્ક ધારણ કર્યા વગર લટાર મારવા નિકળ્યા હોય તેમ ટહેલતા હતા. જેના લીધે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. અને અનેક લોકો કોરોનાના પ્રાથમિક લક્ષણોમાં સપડાયા હોય તેમ તાવ, શરદી, ઉધરસ સહિતની અન્ય બિમારીઓમાં પટકાઈ ચૂક્યા છે.

મોડાસા શહેરના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના ૧૦ થી વધુ  વેપારીઓ અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી મોડાસા શહેરમાં ફફડાટ ફેલાયો છે દિવાળી તહેવારોમાં હજ્જારો લોકોએ શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાંથી ખરીદી કરી હતી ત્યારે આગામી સમયમાં કોરોનાના આંકડા આકાશે આંબે તો નવાઈ નહિ બીજીબાજુ આરોગ્ય તંત્ર સબસલામતના બણગાં ફૂંકી રહ્યું છે. 


 

 

 

 

 

ધનસુરા શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા વેપારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાતા ત્રણ દિવસનું સ્વયંભૂ બંધની જાહેરાત કરી દીધી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ તેનો વિકરાળ પંજો ફેલાવી ચૂક્યો છે. અત્યાર સુધી શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં કોરોના પોઝેટીવના કેસ ઓછા નોધાતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી શહેરોની જેમ ગામડાઓમાં પણ કોરોનાના કેસ વધવા માડયા છે.જેને લીધે કદાચ આગામી દિવસોમાં તેઓ કોરોના બોમ્બ બનીને વિસ્ફોટ કરે અને તેના લીધે પરિવાર તથા અન્ય લોકોને સહન કરવુ પડે તેવી શક્યતા છે.

મોડાસા તાલુકાના વોલ્વા ગામે ૫૦ જણાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાં જ વકરતા જતા આ સંક્રમણને લઈ પંથકમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.પરંતુ કેટલાક લોકોએ પર્વની ઉજવણી ટાણે જરૂરી તકેદારીનો ભંગ કરી ગાઈડ લાઈન નું ઉલ્લંઘન કરતાં જાણે વાયરસને અનુકૂળ વાતાવરણ મળ્યું હોય એમ ગુરૂવાર ના રોજ જિલ્લાના ધનસુરામાં ૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ જણાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાં જ ચકચાર મચી હતી.  ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.ગોસ્વામી એ આ રેપીડ ટેસ્ટની વિગતને પુષ્ટિ આપી હતી અને ધનસુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ કોવીડ-૧૯ માં સપડાયા હોવાનું જણાવ્યું હતું.તાલુકામાં વધતા જતા સંક્રમણને લઈ જનજાગૃતિ ના પ્રયાશો હાથ ધરાય અને સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર વિરૂધ્ધ પગલા ભરી કાયદેસર કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.