મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ઉત્તર ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણની બીજી લહેર કુદકેને ભુસકે વધવા લાગી છે. અરવલ્લી જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા કોરોના વકર્યો છે જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝેટીવ કેસ વધવાની સાથે કન્ટેન્ટમેન્ટ એરિયા પણ વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓ અને કોરોનાથી થતા મૃત્યુની સાચી માહિતી લોકો પાસે પહોંચતી ન હોવાની બૂમો વચ્ચે જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે. જીલ્લાના અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં મોડાસા શહેર,ધનસુરા અને ડુઘરવાડા ગામના ત્રણ લોકોને કોરોના ભરખી જતા તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકોના ટપોટપ મોત થઇ રહ્યા હોવા છતાં લોકો બેપરવાહ લાગી રહ્યા છે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માસ્ક પહેરતા ન હોવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાથી આગામી સમયમાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થવાની ભીતી સેવાઈ રહી છે.

જીલ્લામાં કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે ફક્ત ૭૦૦ પર પહોંચી છે પરંતુ જીલ્લામાં કોરોના સંક્રમણનો ભોગ બનેલ ૧ હજારથી વધુ દર્દીઓ કોરોનાની અન્ય શહેરોની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ ઘરે પરત પણ ફરી ચુક્યા છે. ત્યારે સરકારી ચોપડે કોરોના દર્દીઓની સંખ્યા ઓછી હોવાની સાથે મૃત્યના આંકડા પણ જાહેર કરવાનું બંધ કરતા લોકોમાં કોરોના સામે ગંભીરતા જોવા મળતી નથીનું જાગૃત નાગરિકો ચર્ચી રહ્યા છે.