મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. તેવી સ્થિતિમાં દિવાળીના તહેવારોમાં લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને વિદાય આપી ભારે બેદરકારી દાખવી બિન્દાસ્ત બન્યા હતા ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં કોરોના સંક્રમણ પ્રસરી રહ્યું છે. અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણે ત્રણ મહિના પછી દસ્તક દેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરની મેઘરજ રોડ પર આવેલી એક સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે.
 
કોરોના મહામારીમાં બીજી લહેરમાં કોવીડ-૧૯ મહામારીનું ભયાનક સ્વરૂપ જોયા બાદ પણ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો ભાન ભૂલ્યા હોય તેમ બિંદાસ્ત બન્યા છે. મોટા ભાગના વેપારીઓ, ફેરિયાઓ અને લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને તિલાંજલી આપી હોય તેમ બેદરકાર જોવા મળી રહ્યા છે. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે જીલ્લામાં કોરોનાએ પુનઃ પ્રવેશ કરતા કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. મોડાસા શહેરમાંથી મળી આવેલ કોરોના પોઝિટિવ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળીના જણાવ્યા અનુસાર, કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા તેમના પરિવારજનોને કોરન્ટાઇન કરવાની તેમજ સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરી આ સાસાયટી તથા આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથધરવામાં આવી છે.