મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત હવે રોજના જામે 1000 પર પહોંચી ગઈ હોય તેમ બની ગઈ છે. આજે ફરી ગુજરાતમાં કુલ 1068 નવા કેસ નોંધાયા છે, આજે કુલ 872 લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે જ્યારે આજે કુલ 26 પરિવારોએ પોતાના સ્વજનને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ગુજરાતમાં કુલ કેસ 53631 થયા છે, કુલ 2283 લોકો મૃત્યુ પામ્યા છે અને કુલ 38830 કેસ સાજા થયા છે. આજે અમદાવાદમાં 176, રાજકોટમાં 59, સુરતમાં 309, વડોદરામાં 92 અને ભાવનગરમાં 39 નવા કેસ નોંધાયા છે.

અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારોમાં જોખમ વધ્યું

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે શુક્રવારના રોજ વધુ ૭ નવા પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૩૦૦ ને પાર કરી ૩૧૨ પર પહોંચ્યો છે.શુક્રવારના  રોજ અરવલ્લી જિલ્લાના બાયડ અને મેઘરજ તાલુકામાં ૩-૩ અને મોડાસા શહેરમાંથી ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

મોડાસા શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસ થોભવાનું નામ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે મેઘરજ નગરના ગેસ્ટ હાઉસ રોડ પર રહેતા ૫૦ વર્ષીય આધેડ, રામનગર સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષીય યુવક અને નવજીવન સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, બાયડ તાલુકાના સાઠંબા ગામની ૩૮ વર્ષીય મહિલા, ચોઈલા અને પેંટરપુરા ગામના વૃદ્ધ કોરોનાગ્રસ્ત બન્યા હતા તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી સઘન સારવાર હાથધરી હતી.

મોડાસા શહેર ઉપરાંત જિલ્લાના બાયડ તથા મેઘરજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.