જય અમીન(મેરાન્યૂઝ.મોડાસા): રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીના જંગ પહેલા જ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. બાયડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના બે બેઠકો પર ઉમેદવારોના ફોર્મ ગેરલાયક ઠરતાં કોંગ્રેસને ઝાટકો લાગ્યો હતો. ત્યારે અરવલ્લી જીલ્લા પંચાયત ડેમાઈ સીટના કોંગ્રેસના ઉમેદવાર કીર્તિ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસે વધુ એકવાર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં વજ્રઘાત સહન કરવો પડતા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં નીરાશા ફેલાઈ હતી. ડેમાઈ સીટ પરથી કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર અને યુવા નેતા કિર્તી પટેલે ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસે બાયડ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સીટના તમામ ઉમેદવારોને સલામત સ્થળે ખસેડી દીધા હતા અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામે સામ, દામ, દંડની નિતી અપનાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ડેમાઈ સીટ પર ભાજપ અને અપક્ષો વચ્ચે સીધો જંગ જામશે.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અને ડેમાઈ જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના મેન્ડેન્ટ પરથી ઉમેદવારી નોંધાવનાર કિર્તી પટેલે તેમનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતી પેદા થઇ હતી ડેમાઈ બેઠક પરથી ફોર્મ પરત ખેંચી કિર્તી પટેલ બંને મોબાઇલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી જતા કોંગ્રેસી નેતાઓમાં ભારે દોડધામ મચી હતી જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પરથી કોંગ્રેસે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે કિર્તી પટેલે કોંગ્રેસને ઉંઘતી રાખી ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા કોંગ્રેસે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ડેમેજ કન્ટ્રોલ અટકાવવા એલર્ટ થઇ ગઈ હતી અને તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી આપી ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્નશીલ બન્યા હતા.

અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ દ્વારા શામ દામ દંડની રાજનીતિને લઇને જિલ્લા, તાલુકા તથા પાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હોવાનું અને ભાજપ કોગ્રેસના ઉમેદવારોને ઉમેદવારીપત્ર પરત ખેંચવા દબાણ ન કરી શકે તે માટે જિલ્લા કોગ્રેસ દ્વારા કોગ્રેસના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હોવાનું જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહએ જણાવ્યું હતું.

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર શું કહે છે વાંચો

ડેમાઈ જીલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના મેન્ડેટ પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કિર્તી પટેલે ફોર્મ પરત ખેંચી લેવા અંગે કમલેન્દ્રસિંહ  પુવાર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે  કિર્તી પટેલને ડેમાઇની સહકારી મંડળીમાં કેસ થયો હોવાથી ભાજપે સામ,દામ અને દંડની નિતી અપનાવી હોવાની અને એક પ્રકારનું દબાણ ઉભું કર્યું હોય તેમજ કીર્તિ પટેલને ડરાવવા છેલ્લા કેટલાક દિવસોથી પોલીસના ચક્કર તેમના ઘરે વધી ગયા હોવાનું મને જાણવા મળ્યું છે કદાચ કાયદાનો ડર બતાવી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા મજબુર બન્યા હોય તેવું લાગી રહ્યું છે


 

 

 

 

 

ભાજપ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર

ડેમાઈ જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર લગાવેલ સામ,દામ,દંડના આક્ષેપ અંગે જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપ પાયા વિહોણા છે અને કોંગ્રેસની આંતરિક લડાઈ અને કોંગ્રેસના નેતાઓની નબળી નેતાગિરી થી થાકીને ફોર્મ પરત ખેંચ્યું હોઈ શકે છે.

કોંગ્રેસ જીલ્લા પ્રમુખે પોલીસ સામે આંગળી ચીંધતા બાયડ પીઆઈ એન.જી.ગોહીએ આક્ષેપ ફગાવ્યા

કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પૂવારે ડેમાઈ જીલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવારી કરનાર કિર્તી પટેલના ઘરે પોલીસના ચક્કર વધી ગયા હતા અને દબાણ ઉભું કરવામાં આવ્યું હોવા અંગે બાયડ પીઆઈ એન.જી.ગોહિલ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે તદ્દન પાયા વિહોણા આક્ષેપ થઇ રહ્યા છે બાયડ પોલીસ કીર્તિ પટેલના ઘરે ન ગઈ હોવાનું જણાવ્યું હતું.