મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આ વર્ષે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી અને એમઆઈએમ પણ મેદાને ઉતરી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, નવી જેટલી પાર્ટી મેદાને છે, તે તમામ ભાજપ દ્વારા ઉતારવામાં આવી છે..ભાજપની સ્ક્રીપ્ટ વાંચે છે,, અને ભાજપના ઇસારે કામ કરી રહી છે. મોડાસાના દાવલી નજીક ફાર્મહાઉસમાં કોંગ્રેસના ઝોનલ પ્રભારી જગદીશ ઠાકોર,અશ્વિન કોટવાલ ઉપસ્થિતિમાં અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં યોજાનાર જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અને ઉમેદવારો અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.
 
કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા અનેક દાવેદારો ઉપસ્થીત રહ્યા હતા 

અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે, ત્યારે મોડાસા નગર પાલિકા અને બાયડ નગર પાલિકામાં ભાજપમાં દબદબો છે. પણ આ વર્ષે પ્રથમવાર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે,. તો બીજી બાદુ અસદુદ્દી ઓવેસીની એમઆઈએમ પાર્ટી અને બીટીપી પણ મેદાને છે ત્યારે ભાજપનો ખેલ પણ બગડી શકે તો નવાઈ નહીં પણ આ વચ્ચે કોંગ્રેસે નિવેદન કર્યું કે, તમામ નવી પાર્ટીઓ ભાજપ દ્વારા ઉતારવામાં આવી છે. મોડાસા તાલુકાના દાવલી ખાતે કોંગ્રેસ પાર્ટીની સંકલની બેઠક યોજાઈ હતી.જેમાં પંચાયત તેમજ પાલિકાની ચૂંટણીને લઇને ઉમેદવારોને સંભળવામાં આવ્યા હતા, જેમાં ઝોનલ પ્રભારી જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ તો કોંગ્રેસે તમામ વિરોધી પાર્ટીઓને ભાજપની બી પાર્ટી ગણાવી હોય પણ કોણ કોની બી પાર્ટી છે, તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખ્યાલ આવી શકશે.