મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ છેલ્લા બે મહિનાથી લૉકડાઉનને પગલે બંધ પડેલા કોચિંગ ક્લાસને શરતોને આધીન શરૂ કરવા અરવલ્લી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી. અરવલ્લી જિલ્લા કોચિંગ ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ સિધ્ધાર્થસિંહ પુવાર તેમજ હોદ્દેદારો દ્વારા અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપીને કોચિંગ ક્લાસ ની શરતોને આધીન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા મંજૂરી આપવા માટે માંગ કરી હતી.

અરવલ્લી જિલ્લા કોચિંગ ક્લાસીસ એસોસિયેશનના પ્રમુખ સિદ્ધરાજ સિંહ પુવાર અને સદશ્યોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં કોચિંગ ક્લાસ દ્વારા તેમના પરિવારનું તેમજ સ્ટાફ પરિવારનું ગુજરાન ચાલે છે, પણ છેલ્લા બે માસ કરતાં વધારે સમયથી કોચિંગ ક્લાસીસ સદંતર બંધ પડેલા હોવાથી તેઓ આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલું જ નહીં આવક બંધ થતા કોચિંગ ક્લાસ તેમજ અન્ય ખર્ચાઓ કાઢવા મુશ્કેલ બન્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, છેલ્લા બે મહિનાથી કોચિંગ ક્લાસીસ બંધ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. અરવલ્લી જિલ્લા કોચિંગ ક્લાસીસ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા લૉક ડાઉન ચારમાં રોજગાર વ્યાપાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે ત્યારે શરતોને આધીન કોચિંગ ક્લાસ શરૂ થાય તેવી માંગ કરી છે.