મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. શિયાળાની શરૂઆતમાં કોરોનાએ જમાવટ કરી હોય તેમ દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જીલ્લામાં અત્યારસુધી કોરોનાં સંક્રમણથી દૂર રહેલા બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકાના માંકરોડા ગામના બે બાળકો કોરોનામાં સપડાતા યુવાનો પછી બાળકોમાં કોરોના પ્રસરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે વધુ ૬ કૉરોના સંક્રમીત દર્દીઓ નોંધાતા જીલ્લાના સરકારી ચોપડે ૭૨૧ પર પહોંચ્યો છે. બે લોકોને કોરોના ભરખી જતા કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે છેલ્લા બે મહિનાથી કોરોના સંક્રમીત દર્દીઓનો મૃત્યુ આંક સ્થીર થઇ જતા લોકોમાં આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.
  
અરવલ્લી જીલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકામાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ભિલોડા તાલુકામાં છેલ્લા અઠવાડીયાથી વધતા જતાં સંક્રમણને લઈ તાલુકામાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૬૧ કેસે પહોંચ્યો છે.ભિલોડા તાલુકાના માંકરોડા ગામમાં ૬ અને ૮ વર્ષીય બાળકીઓ કોરોના પોઝેટીવ હોવાનું બહાર આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જીલ્લામાં યુવાનો બાદ હવે બાળકો પણ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા હોવા છતાં લોકો કોરોના અંગે ગંભીર નથી લાગી રહ્યા માંકરોડા ગામની એક ૬૪ વર્ષીય અને ભિલોડા નગરની ૬૫ વર્ષીય મહિલા,મોડાસા પાવનસીટી ફ્લેટમાં રહેતી ૩૮ વર્ષીય મહિલા અને વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાતા આરોગ્ય તંત્રએ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે ખસેડી સર્વેની કામગીરી હાથધરી હતી.