મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : મોડાસા તાલુકાના શામળાજી રોડ પર આવેલ છારાનગર (જીવણપુર) વિસ્તારમાં બનતા દેશી દારૂનો નશો જ કઈ અલગ હોવાથી અરવલ્લી.સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,ખેડા અને પંચમહાલ સુધી માંગ રહે છે છારાનગરમાં દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલા બુટલેગરોએ હવે વિદેશી દારૂના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી છારા નગરમાં વિદેશી દારૂનો વેપલો ધમધમતો હોવાની બૂમો ઉઠી છે. અરવલ્લી એલસીબી પોલીસે છારાનગરમાં મહિલા બુટલેગરના ઘરે ત્રાટકી ૨૦ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસ રેડ કરવાની બાતમી મહિલા બુટલેગરને મળી ગઈ હોય તેમ પોલીસ રેડ કરે તે પહેલા ઘર છોડી ફરાર થઇ ગઈ હતી. 

Advertisement


 

 

 

 

 

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગર (જીવણપુર) વિસ્તારમાં કોકીલા શાંતિભ છારાના ઘરે રેડ કરી ઘરની પાછળના ભાગે ઢાળીયામાં ઘાસના પુરાની નીચે સંતાડેલ વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-૧૧૦ કીં.રૂ.૨૦૯૨૫/- નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ રેડ જોઈ મહિલા બુટલેગર હવામાં ઓગળી જતા પોલીસે વિદેશી દારૂ ઝડપી સંતોષ માન્યો હતો. એલસીબી પોલીસે કોકીલા છારા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.