મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરી,લૂંટ,વાહન ચોરી, ગેરકાયદેસર હથીયાર વેચાણ કે પછી વિદેશી દારૂની હેરાફેરીમાં મોટેભાગે રાજસ્થાનની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવતું હોય છે. બંને જીલ્લાની સરહદો રાજસ્થાનને અડીને આવેલી હોવાથી ચોરી,લૂંટની ઘટનાને અંજામ આપી રાજસ્થાનમાં સરકી જતા હોવાથી પોલીસ માટે પણ પડકારજનક સ્થિતી પેદા થતી હોય છે. થોડા મહિના અગાઉ ડીવાયએસપી ભરત બસીયાએ કુખ્યાત બુટલેગર પંચોલીને રાજસ્થાનમાંથી તેના ઘર આગળથી દબોચી લીધો હતો ત્યારે અરવલ્લી પેરોલ ફર્લો ટીમે નાસતા- ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાનમાં પડાવ નાખી તપાસ હાથધરી હતી ત્યારે વીંછીવાડા માંથી બાતમીના આધારે રાજ્યમાં ૧૦૭ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ અને ત્રણ વર્ષથી ફરાર બચુ ઉર્ફે બસંતીલાલ નામના રીઢા ગુન્હેગારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો ટીમ સતત નાસતા-ફરતા આરોપીઓને ઝડપી રહી છે. અરવલ્લી પેરોલ ફર્લોના પીએસઆઇ કે એસ સીસોદીયા અને તેમની ટીમે અરવલ્લી જિલ્લા સહીત રાજ્યમાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાન વીંછીવાડા વિસ્તારમાં તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીના ગુન્હામાં અને રાજ્યમાં ૧૦૭ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બચુ ઉર્ફે બસંતીલાલ વીંછીવાડા આવવાનો હોવાની બાતમી મળતા વીંછીવાડામાં બાતમીના સ્થળે વોચ ગોઠવી દીધી હતી ત્યારે બચુ ઉર્ફે બસંતીલાલ મથુરભાઈ ઉર્ફે મથુરાજી રોત (રહે,ધામોદ,રાજસ્થાન) ને ઝડપી લીધો હતો ઘરફોડ ચોર બચુ ઉર્ફે બસંતીલાલ તેના વિસ્તારમાં ત્રણ વર્ષથી બિંદાસ્ત ફરતો હતો ત્યારે પેરોલ ફર્લો ટીમે દબોચી લેતા બચુ ઉર્ફે બસંતીલાલ પોલીસ પકડથી છટકવા ભારે હવાતિયા માર્યા હતા. અરવલ્લી પેરોલ ફર્લો ટીમે કુખ્યાત ઘરફોડ ચોરને કોરન્ટાઈન કરી કોરોના ટેસ્ટ કરવા તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.