મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લા સેવાસદનમાં આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં ફરીયાદના આધારે અરવલ્લી એન્ટી કરપ્શન પીઆઈ વણઝારા અને તેમની ટીમે સફળ ટ્રેપ કરી ટાઉનપ્લાનીંગ ઓફિસર કીરીટ રાવલ વતી  રૂ.૨૦૦૦ ની લાંચ લેનાર એજન્ટ પ્રતીક જયસ્વાલને દબોચી લીધા પછી ટાઉનપ્લાનિંગ કચેરીમાંથી જિલ્લા ટાઉન પ્લાનર કીરીટ રાવલને ને ઝડપી લીધો હતો. એસીબીની સફળ ટ્રેપથી જિલ્લા સેવા સદનમાં છડેચોક વકરેલ એજન્ટ રાજ ને લઈ વચોટીયા રાખતાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ આ ટ્રેપ થી ગભરાઈ ઉઠયા હતા.અને સમગ્ર સેવાસદનમાં સન્નાટો છવાયો હતો. અરવલ્લી એસીબીએ સફળ ટ્રેપ પછી સમગ્ર તપાસ સાબરકાંઠા એસીબી ટીમને સુપ્રત કરતા સાબરકાંઠા એસીબીએ સરકારી ગાઈડલાન મુજબ ટાઉન પ્લાનર કીરીટ રાવલ અને વચોટિયાનો કોરોના રિપોર્ટ માટે કરાવતા બંને આરપીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથધરી હતી. 

અરવલ્લી જિલ્લા સેવાસદનના બીજા માળે આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં બુધવારના રોજ અરવલ્લી એસીબીની ટીમે છાપો માર્યો હતો.અને ફરીયાદી પાસેથી મિલક્તના નકશાની નકલ પેટે રૂ.૨૦૦૦ ની લાંચ માંગનાર ટાઉન પ્લાનર કલાસ વન અધિકારી કે.સી.રાવલ અને તેમના વતી લાંચની રકમ સ્વીકારનાર ખાનગી એજન્ટ ને રંગે હાથ દબોચી લેવાયા હતા.અરવલ્લી એન્ટી કરપ્શન ના અધિકારી સી.ડી.વણજારા સહિતની ટીમ દ્વારા લાંચીયા અધિકારી અને તેના એજન્ટ ને ઝડપી લીધા બાદ સમગ્ર લાંચ કેસની તપાસ સાબરકાંઠા એસીબી ટીમને સુપ્રત કરવામાં આવી છે. 

સાબરકાંઠા એસીબી પીઆઇ વી એન ચૌધરી અને તેમની ટીમે લાંચિયા ટાઉન પ્લાનર કીરીટ રાવલ અને તેના એજન્ટ પ્રતીક જયસ્વાલને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રિપોર્ટ કરાવતા બંનેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું અને બંનેની અટકાયત કરી આગામી ૨૪ કલાકમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશેનું જણાવ્યું હતું.