મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂના શોખીનો દારૂ પીવા માટે બહાના બનાવી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘટઘટાવી રહ્યા છે. રાજ્યમાં તહેવારોની ઉજવણીમાં હવે વિદેશી દારૂ પીવાનું ચલણ વધ્યું છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરના ગ્રામ્ય વિસ્તારોમાં તહેવાર ટાણે દારૂના ઠેકા ધમધમી ઉઠે છે.
 
આંતરરાજ્યના સરહદી વિસ્તારોમાં બુટલેગરો વિદેશી દારૂ ઠાલવી સ્થાનિક બુટલેગરોને વિવિધ વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યા છે. દારૂના શોખીનોના પણ રાજસ્થાનને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા વધી ગયા હોવાની બૂમો ઉઠી રહી છે. 
     
અરવલ્લી એલસીબી પોલીસે ભિલોડા તાલુકાના જનાલી-ટાંડા ગામે બુટલેગરે ઘરે વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરી ગુલાબ પ્રતાપભાઈ વણઝારા નામના બુટલેગરના ઘરેથી ૫૨ હજાર થી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. બુટલેગર પોલીસને થાપ આપી રફુચક્કર થતા ભિલોડા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એલસીબી પોલીસની કામગીરી થી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. 

અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમ જીલ્લામાં વિદેશી દારૂનું દુષણ ડામવા સતત દોડાદોડી કરી રહી છે. ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની કામગીરી દરમિયાન જનાલી ટાંડા ગામે ગુલાબ વણઝારા નામના બુટલેગરે વિદેશી દારૂ ઘરે ઉતાર્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ગુલાબ વણઝારા ના ઘરે ત્રાટકી હતી ઘરની અંદર સંતાડી રાખેલ વિદેશી દારૂ-બીયર ટીન નંગ-૧૪૫ કીં.રૂ.૫૨૩૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસ ત્રાટકે તે પહેલા ગુલાબ વણઝારા ઘર છોડી ફરાર થઇ જતા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુલાબ પ્રતાપભાઈ વણઝારા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.