મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગુજરાતમાં ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તથા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત થયા છે. અરવલ્લી જિલ્લા પંચાયતની ૩૦ બેઠકમાંથી ૪ બેઠક પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખી અન્ય ૨૬ બેઠકો પર ઉમેદવારો જાહેર કરતાની સાથે જાણે ભાજપમાં ભડકો થયો જેવી સ્થિતી પેદા થઇ હતી. કઉં જીલ્લા પંચાયત સીટ સામાન્ય હોવા છતાં ઓબીસી સમાજના યુવા અગ્રણીને ટીકીટ અપાતા અન્ય જ્ઞાતિના લોકો સમસમી ઉઠ્યા હતા અને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ જીલ્લા સંગઠન અને મોવડીમંડળ આ જ્ઞાતિને ખો આપતી હોવાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આ આ જ્ઞાતિઓની નારાજગી ભારે પડી શકે છે. ઓબીસી સિવાયના અન્ય સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાની બૂમો ઉઠી રહી છે. 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અરવલ્લી જીલ્લા પંચાયત, ૬ તાલુકા પંચાયત, મોડાસા અને બાયડ નગરપાલિકાની બેઠક પર ઉમેદવારો જાહેર કરતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ મોવલિ મંડળ અને સ્થાનિક સંગઠન જીલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ૪ બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી છે. ભાજપે જીલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરતાંની સાથે ભાજપમાં ભડકો થયો હોય તેવી સ્થિતી કઉં સીટ પર સર્જાઈ હતી. કઉં સામાન્ય સીટ પર ઉમેદવારી માટે દાવેદારી નોંધવાનાર પાટીદાર સમાજના ભાજપ પક્ષ સાથે સંકળાયેલ અગ્રણીઓ ભાજપે સામાન્ય સીટ પર ઓબીસી ઉમેદવારને ઉતારતાની સાથે ભડકો થયો હતો અને ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ભાજપ કાર્યાલય પર સંગઠન અને મોવડી મંડળ પાટીદારોને ખો આપતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય જ્ઞાતિઓની નારાજગી સહન કરવી પડશેની ચીમકી ઉચ્ચારી ભાજપ તેમનેને અન્યાય કરતો હોવાનું જણાવ્યું હતું.