મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જિલ્લા માં પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. આમ જિલ્લા ભાજપાના મંત્રી ગજાનંદભાઈ પ્રજાપતિને થોડાક દિવસો કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોના સામે જંગ હારી જતા ગજાનંદભાઈ પ્રજાપતિનું મોત નિપજતાં જિલ્લા ભાજપાના કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. જીલ્લામાં સરકારી ચોપડે ૫૧૯ કેસ કોરોના પોઝેટીવના નોંધાયા છે. 

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરની માલપુર રોડ પર આવેલી એચડીએફસી બેંકના ત્રણથી વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બેંકના સત્તાધીશોએ બેંક બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેતા બેંક બહાર બેંકનું કામકાજ બે દિવસ બંધ રહેશેની નોટીસ ચીપકાવી દીધી છે. 

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં આવેલી બેંકોમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા હોવાની સાથે માસ્ક વગર ગ્રાહકો કામકાજ અર્થે પહોંચતા હોવાથી અને કેટલાક કર્મચારીઓ અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાંથી ફરજના સ્થળ પર આવન-જાવન કરતા હોવાથી કોરોનાના સંક્રમણમાં બેન્કના કર્મચારીઓ અને કોરોનાગ્રસ્ત કર્મચારીઓના સંપર્કમાં આવનારા ગ્રાહકો કોરોનાથી સંક્રમીત થઇ રહ્યા છે.