મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના સંક્રમણને લીધે પોઝેટીવ કેસનો આંકડો ડબલ ડીઝીટમાં પહોચી ગયો છે. કોરોનાની બીજી લહેર જિલ્લાવાસીઓ માટે આફતરૂપ બની રહી છે. જિલ્લામાં લોકો રેપિડ ટેસ્ટ કરાવવા માટે દોડાદોડી કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચુક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતાને કોરોના ભરખી જતા ભારે ભારે ચકચાર મચી છે. અરવલ્લી ભાજપના મહામંત્રીનું કોરોનાથી અમદાવાદ સારવાર દરમિયાન મોત થતા અરવલ્લી જીલ્લા ભાજપમાં ભારે શોકની લાગણી છવાઈ છે. ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચનું પણ ગાંધીનગર સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. 
              
બાયડ તાલુકાના ગાબટ ગામના અને જીલ્લા ભાજપ મહામંત્રી ધીમંત પટેલ કોરોનાગ્રસ્ત થતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા. દોઢ મહિના સુધી કોરોના સામે ઝઝૂમ્યા બાદ આખરે કોરોના સામે જંગ હારી જતા મોતને ભેટ્યા હતા. થોડા દિવસ અગાઉ ભાજપના જીલ્લા મંત્રી ગજાનંદ પ્રજાપતી બાદ મહામંત્રી ધીમંત પટેલને કોરોના ભરખી જતા ટૂંક સમયમાં ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવી ચૂક્યું છે. ધીમંત પટેલ સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહેતા બાયડ પંથકના લોકોએ એક ઉમદા નેતા ગુમાવ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. 
       
ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ અને ભરવાડ સમાજના અગ્રણી ભલાભાઈ એક સપ્તાહ અગાઉ કોરોનામાં સપડાતા પરિવારજનોએ સારવાર અર્થે ગાંધીનગર દવાખાને ખસેડ્યા હતા. એક સપ્તાહની સઘન સારવાર કારગત ન નીવડતા રવિવારે ભલાભાઈ ભરવાડનું કોરોનાથી નિધન થતા ખડોલ ગામ સહીત ધનસુરા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. જીલ્લામાં એક જ દિવસમાં બે લોક નેતાને કોરોના કાળનો ભોગ બનતા લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.