મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સુનામી સામે કોંગ્રેસના અસ્તીત્વ સામે સવાલ પેદા થયા છે. અરવલ્લીમાં જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. અરવલ્લી જીલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે . અરવલ્લી જીલ્લા પંચાયતમાં અને ૬ તાલુકા પંચાયતમાં પુનરાવર્તન ના બદલે પરિવર્તન જોવા મળ્યું હતું કોંગ્રેસ પક્ષે ઇવીએમમાં છબરડો કરી ભાજપ જીત્યું હોવાના આક્ષેપ સાથે ધરણા કર્યા હતા. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંજા પર ભાજપનું રોલર કોસ્ટર ફરી વળ્યું હોય તેમ ભાજપનો ભવ્ય વીજય થયો હતો. જીલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ૨૫ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ગત ટર્મમાં પાટીદાર આંદોલનની અસરના પગલે ૨૧ બેઠકો પર વિજય પ્રાપ્ત કરનાર કોંગ્રેસ ૫ બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. જીલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેતા કોંગ્રેસમાં સન્નાટો છવાયો હતો. 

મોડાસા તાલુકા પંચાયતમાં ૨૨ સીટ માંથી ભાજપ-૨૨,કોંગ્રેસ-૨ અને આમ આદમી પાર્ટી અને અન્યનો એક એક બેઠક પર વિજય થયો હતો. મેઘરજ તાલુકા પંચાયતની ૨૨ સીટ માંથી ભાજપ-૧૪,કોંગ્રેસ-૭ અને અન્ય ઉમેદવાર એક બેઠક પર જીત મેળવી હતી. ધનસુરા તાલુકા પંચાયતમાં ૧૮ બેઠકમાંથી ભાજપ-૧૬ અને કોંગ્રેસ બે બેઠક કબ્જે કરી હતી. માલપુર તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ભાજપ-૧૫ બેઠક પર અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો હતો. માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલવી શકી નથી. બાયડ તાલુકા પંચાયતમાં ૨૪ બેઠકોમાંથી ભાજપે ૨૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ ત્રણ બેઠક પર જીત મેળવી હતી જ્યારે ભિલોડા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માંથી ભાજપ -૧૪ ,કોંગ્રેસ-૧૧ અને અન્યને એક બેઠક મળી હતી.