મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી :  અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નીયમોનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી ગમખ્વાર અકસ્માત ઘટનાઓ સતત બની રહી છે. ભિલોડાના ધોલવાણી ગામ નજીક પસાર થતી એસટી બસ સામે અચાનક એક અલ્ટો કાર રોંગ સાઈડ યુ-ટર્ન લઇ ધસી આવતા એસટી બસના ચાલકે સમયસૂચકતા વાપરી કાર ચાલકને બચાવવા બસ રોડ સાઈડ ખાડામાં ઉતારી દીધી હતી. એસટી બસમાં મુસાફરી કરી રહેલા ૨૫ જેટલા મુસાફરો બસ રોડ સાઈડ ખેતરમાં ઉતરી પડતા બુમાબુમ કરી મૂકી હતી. સદનસીબે જાનહાની ટળી હતી બસને નુકશાન થતા એસટી બસ ડ્રાઇવરે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

પ્રાપ્ત માહીતી અનુસાર,વિજયનગર-ધોળકા એસટી બસ વિજયનગર થી ધોળકા જઈ રહી હતી. ત્યારે ભિલોડાના ધોલવણી ગામ નજીક રોડ પર એક અલ્ટો કારના ચાલકે કાર ગફલતભરી પુરઝડપે હંકારી રોંગ સાઈડ ઘુસી જતા એસટી બસના ચાલકે અલ્ટો કારને એસટી બસ સામે પુરઝડપે આવતા જોઈ ચોંકી ઉઠ્યો હતો. અને અલ્ટો કાર એસટી બસ સાથે ટકરાય તે પહેલા કાર ચાલકને બચાવવા એસટી બસના ચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક મારતા બસ ખેતરમાં ઉતરી પડી હતી. એસટી બસ રોડ પરથી ખેતરમાં ઉતરી પડતા બસમાં મુસાફરી કરતા મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી. જો કે બસમાં મુસાફરી કરતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસને ૨૦ હજાર થી વધુંનું નુકશાન જતા એસટી બસ ચાલકે કાર ચાલક વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.