મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં વીતેલા સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધવા પામ્યું છે. જીલ્લામાં સરકારી ચોપડે રોજ બરોજ ૫ થી ૭ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું અખબારી યાદીમાં દર્શાવી જીલ્લામાં કોરોના કાબુમાં હોવાની કેસેટ વગાડી રહ્યા છે. જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓ અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ભિલોડા તાલુકાના શંકરપુરા કંપામાં ૧૩ લોકો કોરોના પોઝિટિવ આવતા ભિલોડા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે મોડાસાની એયુ ફાઈનાન્સ સ્મોલ બેંક અને ધનસુરાની બેંક ઓફ બરોડાના બે થી ત્રણ કર્મીઓ અને તેમના પરિવારજનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની વાતને લઈ સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જીલ્લાના મુખ્યત્વે પાટીદાર સમૂહ ધરાવતા કંપાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. હાલ કોરોનાગ્રસ્ત કંપાઓમાં આરોગ્યની ટીમોએ ધામા નાખી સર્વેની કામગીરી આદરી શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણ વધવાની સાથે સાથે હવે એક જ પરિવારના સભ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ એકસાથે જોવા મળી રહ્યું છે. લોકલ સંક્રમણ ફેલાઈ રહ્યું છે શંકરપુરા કંપા ગામમાં નોંધાયેલા ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓમાં એક જ પરિવારના ૫ થી વધુ અને અન્ય પરિવાર સંક્રમીત હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી.

અરવલ્લી જીલ્લામાં આરોગ્યતંત્ર અને વહીવટી તંત્ર કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કહેરે માજા મૂકી છે બીજી બાજુ લોકો પણ કોરોના સામે બેજવાબદારી પૂર્વક વર્તન કરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે સહેજ પણ જાગૃત ન હોવાથી આગામી સમયમાં કોરોનાનું સંક્રમણનો વિસ્ફોટ થાય તો નવાઈ નહીં.!!