મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજસ્થાન રાજ્યને અડીને આવેલા અરવલ્લી જીલ્લાના શામળાજી, ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી રાજ્યના બુટલેગરોને વિવિધ વાહન મારફતે વિદેશી દારૂ પહોંચાડતો અને ખૂન અને જીવલેણ હુમલો કરવા માટે પંકાયેલા માથાભારે બુટલેગર રાકેશ ઉર્ફે કાળીયો બાબુભાઇ ડુંડને ભિલોડા પોલીસે બાતમીના આધારે ગોવિંદનગર વિસ્તારમાંથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. સમગ્ર પંથકમાં લુખ્ખાગીરી માટે પંકાયેલા બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દેતા લોકોએ અને પોલીસતંત્રે હાશકારો અનુભવ્યો હતો. પાસા મંજુર થઇ ગયેલા માથાભારે બુટલેગર રાકેશ ઉર્ફે કાળીયા ડુંડને પોલીસે દબોચી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. 

Advertisement


 

 

 

 

 

ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરી હજ્જારો બુટલેગરો કરોડો રૂપિયાની આસમી બન્યા છે. વિદેશી દારૂના વેપલામાં રહેલા લખલૂટ રૂપિયાના લીધે અનેક યુવાનો બુટલેગર બની વિદેશી દારૂના ધંધામાં જોતરાયા છે. ભિલોડા તાલુકાના ડોડીસરા ગામનો રાકેશ ઉર્ફે કાળિયો બાબુલાલ ડુંડ નામનો યુવાન પણ વિદેશી દારૂના ધંધામાં ઝંપલાવી પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓની છત્રછાયા હેઠળ પરપ્રાંતીય બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ શરુ કરતા ટૂંકા ગાળામાં મોટો બુટલેગર બની જવાની સાથે સમગ્ર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો સાથે રાખી પંથકના લોકોમાં ખોફ જમાવતા તેની અસામાજિક પ્રવૃતિઓ સામે લોકો લાચાર બની ગયા હતા. 

 

ભિલોડા પીઆઈ મનીષ વસાવાને માથાભારે બુટલેગર રાકેશ ઉર્ફે કાળિયો બાબુલાલ ડુંડ ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ પોલીસ કાફલા સાથે બાતમી આધારીત સ્થળે ત્રાટકી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઝડપી લેતા બુટલેગરના મોતીયા મરી ગયા હતા. ભિલોડા પોલીસે રાકેશ ઉર્ફે કાળીયા ડુંડને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.