મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે એક મહિલાના બે પુત્રો અંદર-અંદર ઝગડો કરતા હોવાની સાથે ભાઈઓની બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્રોના ઝગડાઓ અટકાવવા વચ્ચે પડેલ માતાને ક્રોધમાં અંધ બનેલ પુત્રએ લાકડીના ઘા ઝીંકતા માતા ઢળી પડતા તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી સારવાર કરાવી ઘરે લાવતા હતા ત્યારે અચાનક માતાનું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. બે પુત્રોની બબાલમાં માતાનું મોત થતા લોકોએ બંને કપાતર પુત્રો સામે ફીટકાર વરસાવી હતી. મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

ભેમાપુર ગામે પ્રતાપ રૂપાભાઇ કટારા અને ભરત રૂપાભાઇ કટારા નામના બંને ભાઈઓ અંદર અંદર ઝગડો કરતા હોવાથી ઘરમાં રહેલ  માતા મોંઘી બહેને બંને ભાઈઓ વચ્ચે ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા બંને ભાઈઓને અંદર-અંદર શું કામ બબાલ કરો છો શાંતિથી કેમ રહેતા નથી. બંને ભાઈઓના ઝગડો અટકાવવા વચ્ચે પડતા મોંઘીબેન કટારાના હાથે પ્રતાપ નામના પુત્રએ લાકડીના ફટકા મારતા વૃદ્ધ માતા ઈજાગ્રસ્ત થતા તાબડતોડ ભરતભાઈ અને અન્ય લોકો સારવાર કરાવવા દવાખાને ખસેડ્યા હતા. સારવાર કરાવ્યા પછી અચાનક મહિલાનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. બે પુત્રોના ઝગડામાં મહિલા ઈજાગ્રસ્ત થતા મોતને ભેટી હોવાની જાણ મેઘરજ પોલીસને થતા તાબડતોડ ભેમાપુર ગામે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.