મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા જીલ્લાના વિવિધ માર્ગો પરથી થઇ રહેલી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા પર અંકુશ મેળવવામાં મહદઅંશે સફળ રહ્યા છે. તેમ છતાં જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જીલ્લા એસપી સંજય ખરાતની આંખોમાં ધૂળ નાખવામાં સફળ રહ્યા હોય તેમ  બુટલેગરો સાથે ભાઈબંધી કરી લીધી હોવાની બૂમો ઉઠી રહી છે. જીલ્લામાં ઠેક ઠેકાણે દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. બાયડમાં દારૂના નશામાં યુવક વીજડીપી પર ચઢી જતા અદ્દલ શોલે ફીલ્મ જેવા દ્રશ્યો પેદા થયા હતા જો કે યુવકે કોઈ માંગ કરી ન હતી. 

બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની બદીએ માજા મૂકી છે ત્યારે બાયડ શહેરના ગાબટ રોડ પર એક યુવક દારૂના નશામાં ચકચૂર બની ભાન ન રહેતા વીજડીપી પર ચઢી જતા એક હાથ વીજકરંટથી ખાખ થઇ ગયો હતો. યુવક વીજડીપી પર ચઢી જતા પરિવારજનો દોડી આવ્યા હતા. જાણે તમાશાને ટોળું ન હોય તેમ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આખરે વીજકર્મીઓને જાણ થતા વીજ કરંટ બંધ કરી યુવકને વીજડીપી પરથી નીચે ઉતાર્યો હતો.


 

 

 

 

 

પ્રાપ્ત માહીતી અનુસાર, બાયડ શહેરના ગાબટ રોડ પર પાણીની ટાંકીની બાજુમાં આવેલી વીજડીપી પર નજીકમાં  રહેતો રમેશ મારવાડી નામનો યુવક દારૂના નશામાં ચકનાચૂર બની ચઢી જતા એક હાથ વીજકરંટ થી ખાખ થઇ ગયો હતો. નશામાં ભાન ભૂલેલા યુવકના પરિવારજનોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવક પલ ભરમાં વીજપ્રવાહનો ભોગ બને તેવી સ્થતિનું નિર્માણ થતા પરિવારજનોએ રોકોક્કળ કરી મૂકી હતી. લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા. જાગૃત નાગરિકે બાયડ વીજતંત્ર વિભાગને જાણ કરતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી વીજપુરવઠો બંધ કરી યુવકને ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો. યુવકનો બચાવ થતા પરિવારજનોર હાશકારો અનુભવ્યો હતો.