મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં આગામી ૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં છેલ્લા બે દીવસથી સાંબેલાધાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવીત થયું છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.મંગળવારે બપોરે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ધસી આવવાની સાથે મેઘરાજાએ   ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી.

અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ છેલ્લા ત્રણ દીવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બપોરે મોડાસા, ધનસુરા, શામળાજી સહીત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા શહેરના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સુમારે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં એક-એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટ અને બફારાથી છુટકારો મળ્યો છે.

અરવલ્લી જીલ્લામાં ધીમા પગલે ત્રણ દિવસથી ચોમાસાનો વિધીવત આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવતાં ૭૨ કલાકથી સર્વત્ર ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે ધોધમાર વરસાદ ખાબકતા અત્યાર  સુધીનો ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.