મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના વાયરસના કેસોમાં રોજબરોજ નવા કેસ ઉમેરાતા જાય છે. મોડાસા શહેર સહીત જીલ્લામાં કોરોના કેસો રોકેટ ગતિએ રોજબરોજ વધતા લોકો ફફડી ઉઠયા છે. કોરોનાનું ઝડપથી ફેલાઈ રહેલું સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ એટલુ ઝડપથી ફેલાય છે કે કોઈને ખબર પડતી નથી. ત્યારે સિવિલ હોસ્પિટલની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસ પર બેઠેલા બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે અરવલ્લી જીલ્લાને નિર્માણ થયે ૭ વર્ષ થવા આવ્યા છતાં સરકાર લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ઉણી ઉતરી ન હોવાની સાથે જીલ્લા કલેક્ટરને જીલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે ખબર ન હોવાનો આક્ષેપ કરતાં સોપો પડી ગયો હતો.

બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહેતા જણાવ્યું હતું કે, જીલ્લાના કોરોનાના દર્દીઓને સારવાર માટે હિંમતનગર અને અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને સવાલ પુછી જણાવ્યું હતું કે, જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને ખબર નથી કે જીલ્લામાં કેટલા કેસ છે, કેટલા લોકોનું કોરોનાથી મોત થયું, જીલ્લામાં કેટલા લોકો કોવીડ-૧૯ થી સંક્રમિત છે, જીલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે પણ ખબર ન હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો.

વધુમાં ધારાસભ્ય જશુંભાઈ પટેલે સરકાર પર તેજાબી પ્રહારો કરી લોકો ટેક્સ ચૂકવે છે ત્યારે તેમને સુવિધાઓ મેળવી જોઈએ પણ રાજ્ય સરકાર જીલ્લાને સુવિધા પુરી પાડવામાં અન્યાય કરી રહી છે. સરકારે હાથ ઊંચા કરી દીધા છે અને સિવિલ હોસ્પિટલનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.