મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લીધા હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાની સીઝનનો ૨૪ ટકા જ વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતીત બન્યા છે. જીલ્લામાં આશરે ૧.૯૦ લાખથી વધુ હેક્ટરમાં ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કરી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાતા જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું હોવાથી અને ડેમમાં જળાશયોના તળિયા દેખાતા સિંચાઈનું પાણી પણ ખેતી માટે મળી શકે તેમ ન હોવાથી પીવાના અને સિંચાઇના પાણીની તંગીના પગલે અખિલ ભારતીય કિસાનસભાના અગ્રણીઓ અને કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જીલ્લાના તમામ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેની માંગ કરી હતી. 

ગુજરાત કિસાન સભાના નેજા હેઠળ અખિલ ભારતીય કિસાન સભાના પ્રમુખ લાલાભાઇ ખાંટ,ઉપપ્રમુખ સાંજાભાઈ ડામોર,બચુભાઈ ડામોર અને સીપીઆઈએમના ડાહ્યાભાઈ જાદવ અને તેમની ટીમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જીલ્લાના તમામ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવા,પશુપાલકોને રાહતદરે ઘાસચારો પૂરો પાડવા, ખેડૂતોના સહકારી અને સરકારી દેવા નાબુદ કરવા,રાહતના કામ શરુ કરવા અને રૂ.૭૫૦૦/- ની સહાય ચુકવામાં આવે તેમજ જીલ્લાના તમામ ડેમ અને તળાવોને પાણીં થી ભરવામાં આવેની માંગ કરી હતી.