મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ગત શુક્રવારે રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદથી મીનીચક્રવાત સર્જાતા જીલ્લામાં ભારે તબાહી સર્જાવાની સાથે કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું અને ૨૫૦ થી વધુ વીજપોલ અને અસંખ્ય વૃક્ષો જમીનદોસ્ત થતા ૧૮૦ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જીલ્લા વીજતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથધરી વીજપુરવઠો પૂર્વરત કર્યો હતો. ટીંટોઈ પંથકમાં સૌથી વધુ અસર વાવાઝોડાની જોવા મળી હતી. ટીંટોઈ યુ.જી.વી.સી. ટીમની નબળી કામગીરીથી ખેતી માટે જરૂરી વીજપુરવઠો ૭ દિવસ પછી પણ પૂર્વરત કરવામાં નિષ્ફળ રહેતા કચેરીમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરાયો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ટીંટોઈ પંથકમાં ગત શુક્રવારે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે કહેર મચાવતા ૩૦૦ થી વધુ મકાનો અને તબેલાના પતરા ઉડી ગયા હતા અને કાચા બનાવેલ ધરાશાઈ થવાની સાથે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ઉખાડી નાખ્યા હતા. મીનીચક્રવાતને ૭ દિવસ જેટલો સમય વીતવા છતાં ટીંટોઈ યુ.જી.વી.સી. કચેરી હેઠળ આવતા કૃષિ માટેની વીજળી પૂર્વરત કરવામાં તંત્ર નબળું પુરવાર થતા ખેતરમાં ઉભા પાકને પાણી ન મળતા મુરઝાઈ રહ્યો છે અને ખેતરોમાં રહેલા તબેલામાં પશુઓ પણ પાણીના અભાવે છતાં પાણીએ તરસી રહ્યા છે.

ટીંટોઈ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર ટીંટોઈ યુ.જી.વી.સી કચેરીમાં આ અંગે રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂતો સામે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ખેતીલાયક વીજપુરવઠો તાત્કાલિક પૂર્વરત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.