મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે ઉત્તર ભારતના રાજ્યોની જેમ મહિલાઓની છેડતી, અપહરણ અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે. ગુજરાત કરણીસેનાએ પણ મૃતક યુવતીના સમર્થનમાં યુવતીને યોગ્ય ન્યાય મળે અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવેની માંગ સાથે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રવક્તા અને લીગલ અધ્યક્ષે શુક્રવારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યના અધ્યક્ષ રાજસીંગ શેખાવત સહીત ટીમ પીડિત પરિવારની મુલાકાત કરે તે પહેલા ધરપકડ કરવામાં આવેની માંગ કરતો સોશ્યલ મીડિયામાં વિડીયો વાઈરલ થયો હતો.

કરણી સેનાના એક વાયરલ ઓડિયોમાં કહેવાયું છે કે, જીલ્લા પોલીસતંત્ર અને વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચતાં અરવલ્લી પ્રશાસન તરફથી આરોપીઓ પકડાઈ ગયા હોવાની માહિતી આપી ગેરમાર્ગે દોરાતા કરણી સેનાએ સાયરા (અમરાપુર) ગામે મૃતક યુવતીના પીડિત પરિવારે મુલાકાત કરવાનું મૌકૂફ રાખી હતી. જેમની મુલાકાતની રાહ જોતા અનુ.જાતિ સમાજમાં અને પીડિત પરિવારમાં નિરાશા વ્યાપી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ,સાયરા (અમરાપુર ) ગામની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત પછી યુવતીના પરિવારજનો અનુ.જાતિ સમાજમાં યુવતી સાથે નિર્ભયા કાંડ સર્જાતા ભારે આક્રોશ છવાયો છે. આ ઘટના પછી ચક્કાજામ, ધરણા, અને રેલી સહીત કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે “ નિર્ભયા કાંડ” ના પડઘા સમગ્ર ગુજરાતમાં પડતા કરણી સેના સમર્થનમાં આવતા અને શુક્રવારે સવારે ૧૦ વાગે પીડિત પરિવારની મુલાકાત રાજસીંગ શેખાવત સહીત મોટી સંખ્યામાં પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીઓની ધરપકડ કરી કડક સજાની માંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં ગુરુવારે વાઈરલ થતા સરકાર, વહીવટી તંત્ર અને પોલીસતંત્રમાં પણ ભારે હડકંપ મચ્યો હતો. યેનકેન પ્રકારે કરણી સેના પીડિત પરિવારની મુલાકાત ન કરે તે માટે આરોપીઓ પકડાયા ન હોવા છતાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા હોવાની ખોટી માહિતી પ્રશાસને આપતા કરણીસેનાએ શુક્રવારની મોડાસાના સાયરા (અમરાપુર) ગામે પીડિત પરિવારની મુલાકાત મૌકૂફ રાખી હતી તેવું ઓડિયો અને વીડિયોમાં દર્શાવ્યું હતું.

એક બાજુ પોલીસની આ કેસમાં ચાંચ ડૂબતી નથી અને બીજી બાજુ પોલીસ પત્રકારોના સવાલો ટાળી, ધમકાવી, દબડાવી ભગાડી દેવા જેવા તુક્કા કરે છે. ખુદ પીઆઈ રબારી પણ આ કેસમાં શંકાના દાયરામાં છે છતાં હજુ કોઈ એક્શન પણ જોવા મળી નથી. ચલો એ તો ઠીક ફરિયાદ નોંધતા જે પોલીસને 60 કલાકથી વધુ સમય થયો તે પોલીસ આરોપીઓને શું પકડવાની અને દીકરીને ન્યાય શું અપાવવાની અને અપાવશે તો તેમાં સમય કેટલો થઈ જશે એવી લોકોમાં ચર્ચાઓ ઊઠી છે. ખાસ કરીને લોકો અરવલ્લી પોલીસ વડા મયુર પાટીલની કામગીરીથી અત્યંત નારાજ થયા છે. હાલ પોલીસ જાણે લોકોનો રોષ ઘટે તેની રાહ જોઈ રહી છે.