મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ હોનારતમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ અર્થે આવેલા બાળકો જીવતા ભૂંજાઈ જતા સમગ્ર ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ ગોઝારી ઘટના પછી અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી સેફટી ડ્રાઈવના આદેશ આપતા તકેદારીના ભાગરૂપે ટ્યૂશન ક્લાસીસ, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા થિયેટર, હોસ્પિટલ, ભોંયરા-ટેરેસ પર ચાલતી વાણિજ્ય પ્રવૃતિઓ અને વધુ લોકો એકઠા થતા હોય તેવા સ્થળોએ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮ ટીમ બનાવી સ્થળ તપાસ અને ફાયર સેફટી ઉપલબદ્ધ છે કે નહીં તેની તપાસ હાથધરી જીલ્લા કલેક્ટર એમ. નાગરાજનાને અહેવાલ સુપ્રત કરવા તાકીદ કરતા જીલ્લામાં અધિકારીઓની ટીમ દોડતી થઈ હતી.

સુરતમાં બનેલ 15થી વધુ વિદ્યાર્થીઓના મોતની હીંચકારી ઘટના બાદ મોડાસા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને શનિવારે મોડાસામાં આવેલા તમામ ટયુશન કલાસીસમાં ફાયર ઓફિસર, ચીફ ઓફિસર સહિતના સ્ટાફ સાથે ટ્યૂશન કલાસીસ પર તપાસ હાથ ધરી હતી. ફાયર સેફટીના સાધનો એનઓસીથી લઇ તમામ બાબતની તપાસ હાથ ધરી હતી. મોડાસાના તમામ ટયુશન કલાસીસને નવી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી બંધ રાખવા માટે ક્લોઝર નોટિસ આપી છે. મોડાસામાં 25 થી વધુ ત્રીજા ચોથા માળે ચાલતા ટયુશન કલાસીસના સંચાલકોને નગરપાલિકા દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

મોડાસા નગરપાલિકાની કામગીરી નોટિસ પૂરતી તો સાબિત નહીં થાય ને...? મોડાસા શહેરમાં ટ્યૂશન ક્લાસિસનો રાફડો ફાટ્યો છે. જેમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના જાન-માલને નુકશાન થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. થોડાક મહિના અગાઉ પણ સુરતમાં ટ્યૂશન ક્લાસીસમાં આગ લાગવાની ઘટના પછી મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યૂશન ક્લાસીસને દેખાવપૂર્તિ નોટિસ ફટકારી હતી. ત્યારે ફરીથી મોડાસામાં નગરપાલિકા તંત્ર અને ફાયરબ્રિગેડની ટીમે ફટકારેલી નોટિસ કાગળિયા પૂરતી રહેશે કે પછી ફાયરસેફટી એક્ટનો ઉલ્લઘન કરતા ટ્યૂશન ક્લાસીસ સામે નક્કર પગલાં ભરશે તે જોવું રહ્યું..?