મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બુટલેગરોની ભાઈબંધી જાણીતી છે. કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ દારૂની ખેપ મારતા અને ખેપિયાઓને રક્ષણ આપતા અનેક કિસ્સાઓ બન્યા છે. ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી રતનપુર ચેકપોસ્ટ, ઉંડવા, રેલ્લાવાડા, ભિલોડાના માર્ગે મોટા પ્રમાણમાં પોલીસની મહેરબાનીથી કરોડો રૂપિયાનો દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. પોલીસતંત્રમાં ફરજબજાવતા કેટલાક કર્મચારીઓ જ વિદેશી દારૂની લાઈનો ચલાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, 

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં એલઆઈબી શાખામાં નોકરી કરતો ભરતસિંહ ઝાલા નામનો કોન્સ્ટેબલ બુટલેગરને દારૂના કેશમાં સંડોવી દેવાની દાટી આપી લાખ્ખો રૂપિયાની લાંચ માંગતા બુટલેગરે માંડ માંડ બે લાખમાં તોડ કરવાની વાત કરી કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાની દાદાગીરીથી ત્રાસી ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્રણ દિવસ અગાઉ એસીબીએ ટ્રેપ કરતા લકઝુરિયસ કાર લઈ પહોંચેલા કોન્સ્ટેબલે બુટલેગરને કારમાં બેસાડી બે લાખની રકમ લઈ એસીબીના છટકાની ગંધ આવી જતા મેશ્વો નદીના કિનારે બોલુન્દ્રા ગામ પાસે તેને ઉતારી રફુચક્કર થઈ ગયા હતા. એસીબી ટીમે ઠેર ઠેર છાપા મારી અરવલ્લી જીલ્લા પોલીસને વર્ધી લખાવી હતી.

આ ઘટનાને ત્રણ દિવસ થવા છતાં લાંચીયો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એસીબીની વિવિધ ટીમો અરવલ્લી જીલ્લા સહીત સંભવિત સ્થળોએ છાપા મારી હવાતિયાં મારી રહી હોય તેમ ભરતસિંહ ઝાલા પકડથી દૂર રહ્યો છે. હાલ આ કેસ મેહસાણા એસીબીને સોંપવામાં આવ્યો છે. એસીબીની ટીમે લાંચિયા કોન્સ્ટેબલની મકાન અને સંપત્તિની તપાસ આદરી દીધી છે.

આ અંગે મહેસાણા એસીબી પી.આઈ ચૌધરી સાથે કોન્સ્ટેબલની અપ્રમાણસર મિલકત મળી આવી કે નહીેં તે અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા તેની તપાસ એસીબી પીઆઇ વણજારા ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પી.આઈ વણજારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા કોઈ કેસ સંદર્ભે કોર્ટમાં ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ૨ લાખ લાંચ પ્રકરણમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ બચાવવા હવાતિયાં મારી રહ્યા હોવાની અને ભરતસિંહ ઝાલા એસીબીની ટ્રેપમાં સપડાતા તેના પ્રતિસ્પર્ધીઓ ગેલમાં આવી ગયા ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. ભરતસિંહ ઝાલાને ઉચ્ચ અધિકારીઓના તો આશીર્વાદ નથીને અને ખાખી વર્દીને લાંછન લગાડનાર ઘટનાથી આ લાંચ પ્રકરણમાં ઝીણવટભરી અને પ્રામાણિક તપાસ થાય તો અનેક પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની ખુરશી સુધી રેલો પહોંચે તો નવાઈ નહીં....!