મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે બંને જીલ્લામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે “ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર” બનાવી દીધો હોય તેમ કાયદાનો ભય બતાવી રૂપિયા ખંખેરવામાં રચ્યા પચ્યા રહે છે રાજ્ય સરકારે ૧૬ મહિના અગાઉ રાજ્યની ચેકપોસ્ટ પર થતા ભ્રષ્ટાચારને અટકાવવા તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લઇ તાત્કાલીક અસરથી તમામ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી હતી અને તમામ ચેકપોસ્ટ પર રાજ્યની મુખ્ય કચેરી પરથી સેલટેક્ષ ઇન્સ્પેકટરને ફરજ સોંપવામાં આવી રહી છે. જેમાંથી મોટા ભાગના અધિકારીઓ ટ્રક અને ભાર વાહક વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાની બૂમો ઉઠી રહી છે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સેલટેક્ષ ચોરી અટકાવવા શામળાજી નજીક પોઈન્ટ પર વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાની છાસવારે બૂમો ઉઠતી રહી છે. ત્યારે અરવલ્લી એસીબી ટીમે વોચ ગોઠવી શામળાજી નજીક ચેકપોઇન્ટ પર ખાનગી કાર સાથે ૪ સેલટેક્ષ ઇન્સ્પેકટરને ૬ લાખ જેટલી રોકડ રકમ સાથે ઝડપી પાડી રોકડ રકમ અંગે ખુલાસો માંગતા ૪ ઇન્સ્પેકટર ખુલાસો ન કરતા એસીબીએ ૪ સેલટેક્ષ ઇન્સ્પેકટરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે શામળાજી હાઈવે પર ટ્રક ચાલકો અને ભાર વાહક વાહનચાલકો પાસેથી સેલટેક્ષ ઇન્સ્પેક્ટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમી મળતા છેલ્લા કેટલાક દિવસોથી એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે વોચ ગોઠવી દીધી હતી. આખરે નક્કર પુરાવા મળતાની સાથે શામળાજી સેલટેક્ષ પોઈન્ટ પર ફરજ બજાવતા ૪ સેલટેક્ષ ઇન્સ્પેકટર પર ત્રાટકી તલાસી લેતા તેમની પાસે રહેલી ખાનગી કારમાંથી ૬ લાખથી વધુ રોકડ રકમ મળી આવતા એસીબી પીઆઈ વણજારા અને રેડ કરનાર ટીમ પણ ચોકી ઉઠી હતી અને ચારે ઇન્સ્પેક્ટરો પાસે ૬ લાખ રોકડ રકમ અંગે પૂછતાછ કરતા ચારેય સેલટેક્ષ અધિકારીઓ ખુલાસો કરવામાં નિષ્ફળ રહેતા એસીબી પોલીસે ચારેય સેલટેક્ષ ઇન્સ્પેક્ટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ગુન્હો નોંધવા તજવીજ હાથધરાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. 


 

 

 

 

 

શામળાજી સેલટેક્ષ ચેકપોઈન્ટ પર વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ સર્જાયો હતો શામળાજી પોઈન્ટ પર ફરજ બજાવતા ત્રિવેદી,લાંબા, જાદવ અને પ્રજાપતિ નામના અધિકારીઓને અરવલ્લી એસીબીએ ખાનગી કારમાંથી ૬ લાખ રોકડ રકમ સાથે દબોચી લેતા સેલટેક્ષ ઓફિસરોના મોતિયા મરી ગયા હતા સેલટેક્ષના અધિકારીઓ કે જેમના માથે સેલટેક્ષ ચોરી અટકાવવાની જવાબદારી છે તેવા ભ્રષ્ટ ચાર ઈન્સ્પેક્ટરો લાખ્ખો લાખની રોકડ અરવલ્લી એસીબીના સકંજામાં આવ્યા છે. અરવલ્લીમાં હાઈ-વે ઉપર ટ્રકચાલકો પાસેથી આ ચાર ઈન્સ્પેક્ટરો ક્યારથી તોડપાણી કરતા હતા તે તપાસનો વિષય બન્યો છે.

શામળાજી ચેકપોસ્ટ પાસે તેમજ હાઈ-વે ઉપર છેલ્લા કેટલાક સમયથી સેલટેક્ષ ઈન્સ્પેક્ટરો તોડ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. તેઓ ટ્રકચાલકો પાસેથી રીતસરના પૈસા ઉઘરાવતા હતા અને સરકારી તિજારીને નુકસાન પહોંચાડતા હોવાની બૂમો ઉઠી હતી. અરવલ્લી  એસીબીને આ અંગે બાતમી મળતા જેના કારણે શામળાજી પાસે એસીબીએ સરપ્રાઈઝ ચેકિંગ કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં એસીબીએ તપાસ કરતાં ઈન્સ્પેક્ટરની કારમાંથી રોકડા રૂા.૬ લાખથી વધુ મળી આવ્યા હતા. 

એસીબી આટલી મોટી રકમ જોઈને ચોંકી ઊઠી હતી અને એક પછી એક ચારે ઈન્સ્પેક્ટરોની પોલ બહાર આવી હતી. આ ઈન્સ્પેક્ટરો સેલટેક્ષની ચોરી અટકાવવાના બદલે પોતે જ પોતાના ખિસ્સા ભરતા હતા અને સરકારની આંખમાં ધૂળ નાખતા હતા. એસીબીની કાર્યવાહીથી શામળાજી હાઈવે ઉપર સોંપો પડી ગયો હતો. જો કે, આ અધિકારીઓની પોલ આજે બહાર આવી ત્યારે ખબર પડી કે, સેલટેક્ષ ચોરી અટકાવવાના બદલે પોતાના ઘરની તિજોરી ભરતા હતા. 

જોકે, આ કૌભાંડ છેલ્લા કેટલા સમયથી ચાલતું હશે તે તપાસનો વિષય છે. શામળાજી ચેકપોસ્ટ પરથી દિવસ-રાતે અનેક ટ્રકો પસાર થાય છે અને તેમની પાસેથી ટેક્ષ લેવાના બદલે આ ચાર ઈન્સ્પેક્ટરો પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા. હાલ તો એસીબીએ આ ચાર ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ અહીંયા સેલટેક્ષ ઈન્સ્પેક્ટરો ગેરકાયદે ટ્રકચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઊઠી હતી. હાલ તો અરવલ્લી એસીબીની કાર્યવાહીથી અરવલ્લી સેલટેક્ષ ઓફિસમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. આ ચાર ઈન્સ્પેક્ટરોએ ક્યારથી આ પૈસા કમાવવાની દુકાન ખોલી હતી તે તપાસના અંતે બહાર આવશે અને સરકારને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડ્યો એની વિગતો પણ તપાસના અંતે બહાર આવશે.