મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ આધાર કાર્ડ હવે લગભગ બધી જગ્યાએ ફરજિયાત ડોક્યુમેન્ટ જેવું જ થઈ ગયું છે. ખાસ કરીને સરકારની દરેક યોજનાઓ સાથે આધાર કાર્ડને જોડી દેવાયું છે. આધાર કાર્ડની જ્યારે શરૂઆત થઈ ત્યારે તો ઘણી સહેલાઈથી નીકળી જતું હતું, પણ હવે, આધાર કાર્ડ કઢાવવું હોય તો સાત કોઠા ભેદવા જેવું કપરું કામ થઈ ગયું છે. અરવલ્લી જીલ્લામાં આધારકાર્ડ કઢાવવા જતા અરજદારોને સર્વર ડાઉન હોવાનું જણાવી આધારકાર્ડ માટે ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પહેલા તો આધાર કાર્ડ માટે ઠેર-ઠેર સેન્ટર્સ હતા પણ, હવે સેન્ટર્સ મર્યાદિત થઈ ગયા છે અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ પ્રાઈવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દીધા છે. હવે ચોક્કસ જગ્યાઓ પરથી જ આધાર કાર્ડ નીકળે છે. કેટલીક બેંકોમાં પણ આધાર કાર્ડ કાઢી આપવા માટે સેન્ટર ફાળવાયા છે. તેમાંય પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર કાર્ડ બનાવવું હોય તો લિમિટેડ સેન્ટર્સ પર જ નીકળે છે. આ સ્થિતિનો કેટલાક લોકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.

UIDAIએ ફાળવેલા સેન્ટર્સ પર સરકારી ભાવે એટલે કે 30 રૂપિયાની ફી ચૂકવીને તમારું આધાર કાર્ડ નીકાળે છે, પણ આ સેન્ટર્સ પર રોજ 30થી 35 લોકોને જ આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે. એટલે કે, તમારે જો આધાર કાર્ડ બનાવવાનું હોય તો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી જવું પડે અને તમારું નસીબ સારું હોય તો પહેલા 35માં તમારો નંબર આવી જાય, નહીં તો બીજા દિવસે આવીને ફરી લાઈનમાં ઊભા રહેવાનું. કેમકે, બીજા દિવસના ટોકન અગાઉથી અપાતા નથી. વળી, જે 35 લોકોનો નંબર લાગે તેમને ટોકન આપવામાં આવે અને તેમને સમય કહી દેવામાં આવે તે સમયે તેમણે આધાર કાર્ડ બનાવવા આવી જવાનું. આમ, તમે વહેલી સવારથી લાઈનમાં ઊભા હોવ તો પણ એવું બને કે આધાર કાર્ડ બનાવવા માટે તમારો નંબર બપોર પછી આવે. આવી જ સ્થિતિ માત્ર અરવલ્લીમાં નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત જેવા અન્ય શહેરો-વિસ્તારોમાં પણ હોવાની બાબતો સામે આવી છે. તંત્ર બધું જ જાણે છે પરંતુ લોકોની મદદ તો જાણે લોકોએ જાતે જ કરવાની, તંત્ર તો માત્ર બજેટ અને નિયમો બહાર પાડવાજ બેઠું હોય તેવો ઘાટ છે.

હવે, જો તમારે આ ઝંઝટમાં ન પડવું હોય તો, બીજો એક રસ્તો છે જે આપણા દેશમાં લગભગ દરેક સરકારી કામમાં કોમન છે અને તેનાથી કામ થઈ જાય છે તે છે રૂપિયા ખર્ચો. જો તમે 150થી 200 રૂપિયા ખર્ચ કરવા તૈયાર હોવ તો તમારા અનુકૂળ સમયે અને દિવસે માત્ર પાંચ મિનિટમાં આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ પૂરી થઈ જાય. ટોકન શું ને લાઈન શું, કયા નિયમોને કઈ નૈતિકતા, માત્ર પૈસા નાખો એટલે બપોરનું ભાણું જમતો કર્મચારી-અધિકારી પણ જમવાનું મુકી કામે લાગી જાય છે. કોઈ લાઈનમાં પણ નહીં ઊભા રહેવાનું અને ધક્કા ખાવાની પણ કોઈ જરૂર નહીં પડે. જોકે, 150 રૂપિયા તો મિનિમમ ભાવ છે, પછી તો જેવો માણસ અને જેવી તેની ગરજ, તેવા ભાવ બોલાય છે. કેટલાક સેન્ટર્સએ તો રીતસર લૂંટ શરૂ કરી દીધી છે એક રીતે કહીએ કે ધંધો બનાવી દીધો છે. વળી, આ રૂપિયાની સામે કોઈ રસીદ આપવામાં નથી આવતી. માત્ર નવું આધાર કાર્ડ બનાવવામાં જ નહીં, નામ સુધારવું હોય કે સરનામું બદલાવવું હોય, આ સેન્ટર્સ પર રૂપિયા આપીને થોડી મિનિટોમાં તમારું કામ થઈ જાય છે. લોકોને પણ એમ હોય છે કે, 150-200 રૂપિયામાં કામ થઈ જતું હોય તો ખર્ચી નાખીએ, ધક્કા તો નહીં ખાવા પડે. બસ, લોકોની આ માનસિકતાનો જ આ લોકો ભરપૂર લાભ ઉઠાવે છે.

સૌથી વધુ તકલીફ તો બાળકોના આધાર કાર્ડ બનાવવામાં પડે છે. એક તો આધાર કાર્ડ બનાવવા માટે બાળકોને સ્કૂલમાંથી રજા મૂકાવવી પડે. એમાંય તો એ દિવસે નંબર ન આવે તો બીજા દિવસે પાછી રજા પાડવાની. સંયુક્ત પરિવારમાં રહેતા હોવ તો ઠીક, નહીં તો બાળકને સાથે લઈને માતા કે પિતાને પણ રજા પાડીને ધક્કા ખાવાના. ઘણી વાર તો એવા દ્રશ્યો જોવા મળે છે કે, માતા-પિતામાંથી કોઈ એક વહેલી સવારથી લાઈનમાં ઊભું રહે, જો ટોકન મળી જાય તો પછી જ્યારે નંબર આવવાનો થાય ત્યારે માતા-પિતામાંથી જે ઘરે હોય તે બાળકને લઈને આધાર સેન્ટર પર પહોંચે. આમ, એક બાળકનું આધાર કાર્ડ કઢાવવા ઘરના ત્રણ જણાએ હેરાન થવું પડે. વૃદ્ધ વ્યક્તિઓને તો આવા ધક્કા ખાવામાં કેટલી તકલીફ પડે તે તમે સમજી શકો છો. એટલે જ મોટાભાગના લોકો પોતાના પરિવારના વૃદ્ધ વ્યક્તિઓના આધાર કાર્ડ રૂપિયા આપીને કઢાવી લેવાનું જ યોગ્ય સમજે છે.