મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરો પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ હાથધરાતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કીમિયા અપનાવી નાના- મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બનતા હોય છે.

પંજાબના બુટલેગરોએ ટ્રકમાં ૩૧૦ પશુ આહારની બેગ ગોઠવી વચ્ચે બોક્સ બનાવી વિદેશી દારૂની પેટી-૧૨૦ ગોઠવી ઘુસાડવાનો કીમિયો શામળાજી પોલીસે નિષફ્ળ બનાવી ૫.૭૬ લાખના દારૂ સાથે પંજાબના બે શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

રવિવારે રાત્રીના સુમારે, શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું. શંકાસ્પદ ઝડપે આવી રહેલા ટ્રક (ગાડી.નં- HR. 74. 5231)ને અટકાવી તલાસી લેતા ટ્રકમાં પશુ આહારની પ્લાસ્ટિક બેગ ગોઠવી વચ્ચે સંતાડેલા વિદેશી દારૂની પેટી-૧૨૦ બોટલ નંગ-૧૪૪૦  કિં.રૂ.૫૭૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી, પશુ આહાર બેગ-૩૧૦ કિં.રૂ.૨૩૦૦૦૦/- , મોબાઈલ-૨ કિં.રૂ.૧૦૦૦ તથા ટ્રકની કિં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૮૦૭૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુરૂસેવક સીંગ આતમસિંગ મજહવી અને હરદીપસિંગ ગુરુચરણ સીંગ મજહવીને ઝડપી પાડી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.