મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં આજે  કોરોનાની રસીના ૧૨૬૪૦ ડોઝનો જથ્થો વેકશીન વાન દ્વારા મોડાસા આવી પહોંચ્યો ત્યારે પૂરતી તકેદારી અને સલામતી રખાઈ હતી.અને જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટોરમાં પૂરતી સુરક્ષા સાથે રખાયેલ આ જથ્થા બાદ ૧૬ મી જાન્યુઆરીના રોજ જિલ્લાના ૬ સ્થળો એથી પ્રથમ દિવસે ૬૦૦ હેલ્થ વર્કરોને ૦.૫ એમ.એલ.ડોઝ ઇન્ટ્રા મસ્કયુલર રૂટ થી આ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે એમ તંત્ર દ્વારા જણાવાયું હતું.

ગત મંગળવારે રાજયમાં મંગળ પ્રવેશ કરનારી કોવિશિલ્ડ રસી ના ૧૨૬૪૦ ડોઝ અમદાવાદ થી અરવલ્લી ખાતે આવી પહોંચ્યા હતા.બુધ કરે શુધ્ધ તે ઉક્તિ અનુસાર બુધવારે જિલ્લામાં આવી પહોંચેલ કોરોના રસી ને આવકારવા જિલ્લા તંત્ર ના મોટા અધિકારીઓ હરખભેર જોડાયા હતા.આ રસીવાન જયારે મોડાસા ખાતેના આરોગ્ય વિભાગના સ્ટોર ઉપર આવી પહોંચી ત્યારે જિલ્લા વહીવટી વિભાગના તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્પિથ રહયા હતા.

જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે જિલ્લાના ફળવાયેલ કોવિશિલ્ડ કોવીડ-૧૯ વેકશીનના કુલ ૧૨૬૪૦ ડોઝ ના જથ્થા ને સલામતી સાથે તકેદારી પૂર્વક સ્ટોર કરવામાં આવ્યા છે તેમજ પ્રથમ તબક્કામાં ૧૦૩૪૦ આરોગ્ય કર્મચારીઓને રસીકરણ થી આવરી લેવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.૧૬ જાન્યુઆરી થી જિલ્લામાં હાથ ધરાનાર રસીકરણ કાર્યક્રમ દરમ્યાન તાલુકા ના ૬ સ્થળોએ થી ૬૦૦ હેલ્થ કેર વર્કર ને ૦.૫ એમએલ રસી ડોઝ આઈ એમ રૂટ થી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.