મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અનેક વાર લોકો માટે યમદૂત સાબીત થઇ છે. ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામે ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા વહેલી સવારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ ધંબોલીયા ગામે પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા અને બ્લડ પ્રેસર પણ ઓછું થતા ભિલોડા ૧૦૮ એમ્બ્યુલસના ઇએમટી નિલેશ ભાઈ અને પાયલોટ સુરેશ ભાઈએ પ્રસૂતાની તબિયત લથડતા મહિલાના ઘરે જ નોર્મલ ડીલેવરી કરાવી મહિલા અને નવજાત શિશુનો જીવ બચાવી લીધો હતો મહિલા અને બાળકને વધુ સારવાર અર્થે શામળાજી સરકારી દવાખાને ખસેડી દીધા હતા પ્રસૂતા આશાબેન અને તેમના પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સરાહના કરી હતી.
ભિલોડા નજીક આવેલા પોશીના ઘાંટીમાં રહેતા તખતસિંહ નામના યુવકે અચાનક ગભરામણ થવાની સાથે છાતીમાં દુઃખાવો અસહ્ય બનતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ભિલોડા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી તખતસિંહની તપાસ કરતા ઓક્સીજન લેવલ નીચે જતું હોવાથી ૧૦૮ એમ્બ્યુલ્સમાં જ ઓક્સીજન આપી સાથે સઘન સારવાર કરતા તખતસિંહની તબીયત સુધારા પર જણાતા તરત જ યુવકને ઇડર સીએચસીમાં સારવાર અર્થ ખસેડી યુવકની જીંદગી બચાવવામાં ૧૦૮ એમ્બ્યુલસ સફળ રહી હતી.