મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની દ્વારા આવેદનપત્ર અપાયું. ગુરુવારના રોજ અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની સહિતના સંગઠનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે આંધ્રપ્રદેશ અને તેલંગણાની રાજ્ય સરકાર દ્વારા હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં ખ્રિસ્તી ધર્મને વધુ પ્રાધાન્ય આપી હિન્દુ ધર્મની નિંદા જેવી પ્રવૃત્તિઓને ખુલ્લેઆમ કરવામાં આવી રહી હોવાથી ગેરબંધારણીય ભેદભાવને ધ્યાને લઈ આ બંને સરકારો સામે પગલાં લેવા તથા રાજ્ય સરકારોના આવી હિન્દુ વિરોધી નિર્ણયો રદ કરવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્ય સરકારો દ્વારા વિવિધ ભરતીઓમાં ખ્રિસ્તીઓને વિશેષ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. જેમાં ગ્રામસેવક અને સચિવાલયસેવક નામની બે યોજના બનાવી આ યોજનાઓની આડમાં એક લાખથી વધુ ખ્રિસ્તીઓની ભરતી કરી તેમને વેતન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના મહત્વપૂર્ણ વહીવટીપદો પર યોગ્યતાને નજરઅંદાજ કરી માત્ર ખ્રિસ્તી હોવાને આધાર ગણી કટ્ટરવાદી ઈસાઈઓના હાથમાં રાજ્યની બાગડોર સોંપવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગંટુર જિલ્લાના કલેક્ટરે એક ખ્રિસ્તીઓના ધાર્મિક કાર્યક્રમમાં જાહેરમાં ઘોષણા કરી કે તેઓને ખ્રિસ્તી હોવાના કારણે આ જિલ્લામાં મુખ્યમંત્રીએ નિયુક્ત કર્યા છે. અને તેઓએ પાછલા છ મહિનામાં ૬ હજાર જેટલા ખ્રિસ્તીઓને નોકરી અપાવી છે. તેમણે રાજ્ય સરકારને ઈસાઈ સરકાર પણ ગણાવી રાજ્ય સરકારના સમર્થનથી હિન્દુઓની આસ્થાના કેન્દ્ર તિરૂપતિ તિરૂમાલા મંદિર જેવા પવિત્ર સ્થળની સામે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન અને હિન્દુ ધર્મની નિંદા જેવી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે. 

જ્યારે જેરૂસલેમની યાત્રા કરતા બસની ટીકીટો પાછળ ખ્રિસ્તીઓનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીની જાહેરાત છાપીને રાજ્ય સરકાર હિન્દુ શ્રધ્ધાળુઓ પ્રત્યે પોતાના દ્વારા કરવામાં આવતા ભેદભાવની ખુલ્લેઆમ જાહેરાત કરે છે. જ્યારે ચર્ચ વિકાસ નિધિ નામની ગેરબંધારણીય યોજના બનાવી પ્રત્યેક ચર્ચના નિર્માણ માટે દસ લાખ જેટલી રકમની સહાય આપવામાં આવી રહી છે. જેવા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આરએસએસના પ્રાંતના અધિકારી મોહનભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તરગુજરાત પ્રાતના ઉપપ્રમુખ અશોકભાઈપટેલ, આરએસએસના જિલ્લાનાસ સહ સંઘચાલક નટુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના મહેશભાઈ ભાવસાર, સંજયભાઈ ભાવસાર, અમૃતભાઈ પટેલ અને રજની પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વધુમાં જણાવ્યું હતું કે જલદીમાં જલદી હિન્દુ વિરોધી નિતિ બંધ કરવામાં નહીં આવે તો દેશનો હિન્દુસમાજ આંધ્રપ્રદેશ અને તેલંગણા સરકાર વિરૂધ્ધ ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.