મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદર : પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવાર સામે આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની બે અને વેરાવળની એક સહિત 3 બોટ અને 18 માછીમારોના પાક. મરીને મશીન ગનના નાળચે અપહરણ કરતા માછીમારોમાં રોષ જોવા મળ્યો છે. જો કે અપહૃત બોટના નામ અને ખલાસીઓની વિગત બપોર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે.

પાક. મરીન સિક્યુરિટીની દાદાગીરી વધી રહી છે. જેમાં પોરબંદર તેમજ વેરાવળની કેટલીક બોટ IMB નજીક માછીમારી કરતી હતી ત્યારે પાક. મરીનની મોટી સ્ટીમર ત્યાં આવી પહોંચી હતી. અને ફીશીંગ બોટોને શરણે આવવાની ફરજ પાડવામાં આવી હતી. આ દરમિયાન પોરબંદરની બે અને વેરાવળની એક બોટ સહિત ત્રણ બોટના મળી અંદાજે 18 જેટલા માછીમારોને બંદીવાન બનાવીને પાકિસ્તાન લઈ જવાયા છે. વારંવાર પાક. મરીનની આ પ્રકારની હરકતો સામે સાગરપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.