એટલાન્ટા. અમેરિકા (દિવ્યકાંત ભટ્ટ): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નૂતન વર્ષ નિમિત્તે રવિવારે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કોરોના મહામારીને કારણે જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના નિયમોનું પાલન કરીને યોજાયેલા આ અન્નકૂટ મહોત્સવ વેળા માસ્ક પહેરીને તેમજ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કર્યા હતા. 121 અવનવી સામગ્રી-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું ગોકુલધામ હવેલીની યૂ-ટયૂબ ચેનલ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે રવિવારે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામમાં બિરાજમાન ગોવર્ધનનાથજી અને કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં રવિવારે સવારે 9 થી 10.30 સુધી હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. જેનો વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી. 

ત્યારબાદ બપોરે 2 થી રાત્રે 7 વાગ્યા સુધી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. વર્ષ-2020 નો આ અન્નકૂટ મહોત્સવ કોરોના મહામારી વેળા યોજાયો હોઇ જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના દિશા-નિર્દેશો મુજબ દર્શનાર્થીઓ માટે હેન્ડ સેનેટાઇઝર તેમજ માસ્કની વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવવા દર્શનાર્થીઓને 6-6 ફુટના અંતરે કતારમાં ઊભા રાખી ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કરાવાયા હતા. ફરજિયાત માસ્કના નિયમનું પાલન કરીને વૈષ્ણ‌વ શ્રદ્ધાળુઓએ ગોકુલધામના વ્યવસ્થાપકોને સહકાર આપ્યો હતો. પાંચ કલાકના અન્નકૂટ મહોત્સવ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે મનોરમા વિપિન મજમુદાર, ડૉ.સંદિપ-આજ્ઞા પાઠક, સમીર-રૂપા શેઠ, સરોજ ડી.પટેલ અને અંજના પટેલે લ્હાવો લીધો હતો. કોરોના મહામારી દરમિયાન આયોજિત અન્નકૂટ મહોત્સવના શિસ્તબદ્ધ દર્શન માટે ગોકુલધામ મેનેજમેન્ટ તેમજ સ્વયંસેવકો દ્વારા કરાયેલા આયોજનની વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ પ્રશંસા કરી હતી.
કોરોનાને કારણે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઘેરબેઠાં દર્શનનો લ્હાવો લઇ શકે તે માટે અન્નકૂટ મહોત્ત્સવનું યૂ-ટયૂબ ચેનલ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું. આ લાઇવ ટેલિકાસ્ટથી 15 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ ઘેરબેઠાં ઠાકોરજીના અને અન્નકૂટ મહોત્સવના દર્શનનો લ્હાવો લીધો હતો.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને સફળ બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યૂટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, જીગર શાહ, પરિમલ પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, ગિરીશ શાહ, આત્મય અને આર્ષ તલાટી, હિતેશ પંડિત, પિયૂષ પટેલ અને કરણ શાહે યોગદાન આપ્યું હતું. જ્યારે ગોકુલધામમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો માટે વિવિધ મીઠાઇ તેમજ ફરસાણ ઉપલબ્ધ કરાવવા માટે ગોકુલધામ કિચન ટીમના ભાનુબહેન પટેલ, રંજનબહેન સિરોયા, અશ્વિન પટેલ, જશુબહેન પટેલ, ઇશ્વરભાઇ પટેલ, કિરીટ શાહ અને સતિષ ઘીવાલાએ જહેમત ઉઠાવી હતી.