મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ અંજાર પાસે દોઢ કરોડના પિસ્તાની થયેલ લુંટમા ૫ પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાના મુખ્ય સુત્રધાર સહિત ૯ આરોપી આ કાંડમાં સંડોવાયેલા છે. અંજારની પોલીસ ટીમ દારૂની કટીંગ પકડવાની બાતમી સાથે ગઇ અને લુંટનુ સેટીંગ કરી નાખ્યું હતું. હાલ પાંચેય પોલીસ કર્મી ફરાર થઈ ગયા છે.

હાલમાં જ અંજાર ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર મુન્દ્રા પોર્ટથી નવી મુંબઈ વાશી જઈ રહેલા દોઢ કરોડ રુ.ના ૨૫ હજાર કિલો પિસ્તાની સનસનીખેજ લૂંટ થઈ, જે લૂંટનો ભેદ કચ્છ પોલીસે ઉકેલી નાખ્યો છે. જોકે, આ બનાવમાં કેટલીક હકીકતો ખુલી છે જે સહુને ચોંકાવનારી છે. પૂર્વ કચ્છ ડીવાયએસપી ડી.એસ. વાઘેલાએ આપેલી માહિતી અનુસાર એક સગીર, આઠ આરોપી અને પાંચ પોલીસ કર્મીઓની સંડોવણી ખુલી છે.

એક સગીર આરોપી ઝડપાઇ ગયા બાદ પોલીસે મુખ્ય ભેજાબાજ એવા મુન્દ્રાના ટ્રાન્સપોર્ટર રિકિરાજ્સિંહ રણધીરસિંહ સિંધલ (સોઢા)ની ધરપકડ કરી છે. લૂંટ કર્યા પછી પિસ્તાનો જથ્થો બે ટ્રકમાં ચઢાવી ડીસા મધ્યે કોલ્ડ સ્ટોરેજમાં છુપાવી દેવાયો હતો. લૂંટાયેલા કન્ટેનર ટ્રેલરને રેઢું છોડી દેવાયું હતું, જે લૂંટ બાદ મળી આવ્યું હતું. જોકે, લૂંટની પુછપરછ દરમ્યાન એવું સામે આવ્યું હતું કે, અંજાર પોલીસ મથકના પાંચ કર્મીઓને દારુનુ કટીંગ થઈ રહ્યું છે, એવી બાતમી મળી હતી. આ બાતમીને આધારે તેઓ ત્યાં પહોંચ્યા હતા, પણ તેમને લૂંટ કરનાર મુખ્ય આરોપીઓએ સમજાવટ કરી પતાવટ કરી દીધી હતી.

જોકે, ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું હતું કે, આ પાંચ પોલીસ કર્મીઓએ પોલીસને તેમ જ અધિકારીને આટલી મોટી લૂંટના બનાવ અંગે જાણ પણ ન્હોતી કરી. પોલીસે આ પાંચેય પોલીસ કર્મીઓ જયુભા જાડેજા, વનરાજસિંહ દેઓલ, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી અને મુખ્ય ભુમિકા ભજવનાર.પોલીસ કર્મી વિશ્વજીતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોધ્યો છે. અત્યારે પાંચેય પોલીસ કર્મીઓ પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ ગયા છે. પોલીસે મુખ્ય લૂંટારૂઓ પૈકી અન્ય નાસી છૂટેલા ૮ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ૧.૩૩ કરોડના પિસ્તા, એક કાર કબ્જે કરી બાકીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી આરોપીઓ હાથે લાગ્યા નથી.