મેરાન્યૂઝ નેટવર્ક.આંધ્ર : રવિવારે સવારે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અહીં નેશનલ હાઇવે 44 પર સવારે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટના કુર્નૂલ જિલ્લાના વેલાદૂર્તિ મંડળના મદારપુર ગામની છે.

આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં આઠ મહિલાઓ, પાંચ પુરુષો અને એક બાળકનો સમાવેશ છે. આ બધા લોકો તીર્થયાત્રા પર હતા. આ મિની બસ, જેમાં આ બધા લોકો સવાર હતા, તે અનિયંત્રિત થઈ ગઇ અને ડિવાઇડરને કૂદાવી અને બીજી બાજુથી આવી રહેલી ટ્રક સાથે ભટકાઇ ગઈ હતી.

કુર્નૂલના એસપીએ એનડીટીવીને જણાવ્યું હતું કે આ વાહનમાં કુલ 18 લોકો હતા. વાહન ચાલકનું પણ મોત નીપજ્યું છે. કુર્નૂલથી આશરે 25 કિમી દૂર માદાપુરમમાં સવારે 4 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો.

તેમણે જણાવ્યું કે 'આ ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લેથી રાજસ્થાનના અજમેર તરફ જઇ રહી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મુસાફરોની લાશને કાઢવા માટે મશીનોનો આશરો લેવો પડ્યો હતો.

આ અકસ્માતમાં ચાર બાળકો બચી ગયા છે, પરંતુ તેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસ આધારકાર્ડ અને ફોન નંબરના આધારે મુસાફરોની માહિતી એકઠી કરી રહી છે.

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ અકસ્માત દરમિયાન ટાયર ફાટવાને કારણે કે ડ્રાઇવર સૂઈ રહ્યો હતો કે કયા કારણથી અકસ્માત થયો હતો.

આપને જણાવી દઈએ કે શનિવારે વિઝાગમાં જ બસ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.