મેરાન્યૂઝ નેટવર્ક, આણંદ: આણંદના આંકલવાની એક નર્સરીમાં કામ કરતી યુવતીને તેની સાથે કામ કરતા એક યુવક સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો અને તે સગીરને લઇને ભાગી ગઇ હતી. યુવકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોધાવતા બંનેને પોલીસે સુરતથી શોધી કાઢ્યા હતાં. 

બનાવની વિગત એવી છે કે આંકલાવ તાલુકાના રામપુરા ગામે ગાયત્રીબેન મગનભાઈ સોલંકી રહે છે. તેઓ આંકલાવની એક નર્સરીમાં કામ કરતી હતી. જ્યાં તેણી 17 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. એ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને તેણી ગત પહેલી જૂનના રોજ સગીરને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ હતી. જેથી યુવકના પરિવાજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા ફોનના લોકેશનના આધારે બંનેને સુરતના વરાછા વિસ્તારમાં શોધી કાઢવામાં આવ્યા હતા અને આણંદ પરત લાવવામાં આવ્યા છે. 

પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીના આ પહેલા છૂટાછેડા થઇ ચુક્યા છે. બાદમાં યુવક સાથે નર્સરીમાં કામ કરવા દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને ભાગી ગયા હતા. તેઓ સુરતમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. યુવતી ઘરેથી 8 હજાર રૂપિયા અને સગીય વયનો કિશોર ઘરેથી 5 હજાર રૂપિયા લઇ ગયો હતો. જેમાંથી યુવતીએ ભાડા ઘર માટે એડવાન્સમાં 6 હજાર રૂપિયા ચુકવ્યા હતાં. જ્યારે યુવક અન્ય જગ્યાએ નોકરી કરવા લાગ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે બંને જણા ભાગ્યા ત્યારે કિશોરની વય 17 વર્ષ,11 મહિના અને 26 દિવસની હતી જ્યારે પાછા આવ્યા ત્યારે તે 18 વર્ષનો થઇ ગયો છે. તેણે પૂછપરછમાં કીધું હતું કે બંનેએ નવ દિવસમાં બે વાર શારિરીક સંબંધ બાધ્યાનું કહ્યું હતું. બીજી તરફ યુવતીએ પણ તે સગીરને પ્રેમ કરતી હોઈ આ પગલું ભર્યું હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેના મેડિકલ ટેસ્ટ કરવાવાનું નક્કી કર્યુ છે. જો મેડિકલ રિપોર્ટમાં બંને વચ્ચેના શારિરીક સંબંધ સાબિત થશે તો યુવતી સાથે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.