ખંભાત: ખંભાત શહેરમાં ગત રવિવારે થયેલા કોમી તોફાનો બાદ સોમવારે અને મંગળવારે પણ પરિસ્થિતિ તંગ રહી હતી. આજે મંગળવારે હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. ત્યારબાદ રેલી કાઢી આવેદનપત્ર આપવા આપવા જતાં હતાં ત્યારે રેલીમાં તોફાની તત્વોએ પોલીસની હાજરીમાં જ પથ્થરમારો શરુ કરી દીધો હતો તેમજ એક મકાનને આગ ચાંપી હતી. આ સિવાય કેટલાક વાહનોને પણ આગ ચાંપી હતી. દરમિયાન એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો. ઘટના બાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થિતિને કાબૂમાં લાવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખતા ખંભાતમાં અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો છે તથા આણંદ જિલ્લા એસપી અને ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે.બીજી તરફ 47 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.

ખંભાતમાં હિંસાને પગલે આણંદના એસપી મકરંદ ચૌહાણ અને Dy.Sp રિમા મુનશીની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને આણંદના એસપી તરીકે અમદાવાદના ટ્રાફિક ડીસીપી અજિત રાજીયાણ અને ડીવાયએસપી તરીકે અમદાવાદ એસીબીના ભારતી પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.  જો કે બદલી કરાયા બાદ મકરંદ ચૌહાણ અને રિમા મુનશીને કોઇપણ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિને જોતાં ખંભાતમાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. જેથી ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. ને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે.