પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.આણંદ): તા. 31 માર્ચના રોજ આણંદ પોલીસને નાપાડ સુલતાનપુરા મોટી નહેરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મરનાર પુરુષના શરીર ઉપર ગંભીર ઈજાઓ હતી. તેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ માટે આ કેસ અંધારામાં તિર મારવા સમાન હતો, કારણ મરનારની ઓળખ પણ થઈ ન્હોતી. આમ છત્તાં આણંદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મરનારની દીકરી, મરનારની પત્ની અને તેના પ્રેમીની ઓળખ કરી ત્રણેયને હત્યાના ગુનાના આરોપસર ઝડપી લીધા હતા.

પોલીસને કેનાલમાંથી મળેલી લાશ કોની છે અને હત્યા કોણે કરી છે તેની તપાસ કરવા આણંદના એસપી અજીત રાજ્યાણએ આ મામલે અલગ અલગ ટીમ બનાવી, સૌથી પહેલા મરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ શરૂ કરાવી હતી. પોલીસ તપાસમાં જાણકારી મળી કે વાસદ પોલીસ સ્ટેશનમાં 13 એપ્રિલના રોજ મનુભાઈ ભગવાનભાઈ પરમાર ગુમ થયાની એક ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસને લાશ મળી તેના 13 દિવસ પછી આ ફરિયાદ નોધાઈ હતી. આમ છત્તાં પોલીસે ગુમ થનાર મનુભઈ પરમારના પરિવારજનોને લાશનો ફોટો બતાવતા તેના પરિવારે લાશ મનુભાઈ પરમારની હોવાનું જણાવ્યું હતું.


 

 

 

 

 

હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, જીતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, નિલેશભાઈ એક ટીમની જેમ હવે કામે લાગી ગયા. પોલીસની શંકાના દાયરામાં સૌથી પહેલા પરિવાર જ હતું, પણ પોલીસમાં લાશ મળ્યા પછી ગુમ થયાની પરિવારે ફરિયાદ કરી હતી આથી પોલીસ પરિવારના સભ્યો તરફ ધ્યાન કેન્દ્રીત કરી પુછપરછ શરૂ કરી હતી. મરનાર મનુભાઈ પરમારના મોબાઈલ ફોનમાં સીડીઆરની તપાસ કરતાં એક સૂચક નામ પોલીસ સામે આવ્યું હતું. જેમાં મનુભાઈ પરમારની લાશ મળી તે પહેલા કોઈ મુકેશ પરમાર નામની વ્યક્તિના સતત સંપર્કમાં હતા.

પોલીસે પરિવારના સભ્યો અને મુકેશ પરમારની યુક્તિ પૂર્વક પુછપરછ શરૂ કરી. જેમાં મનુભાઈની દીકરી તોરલ પરમારે પોલીસને જણાવ્યું કે, મારા માતા પિતા વચ્ચે અવારનવાર ઝધડો થતો. આથી પોલીસે મરનાર મનુભાઈ પરમારની પત્ની લીલાબેનની પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી. લીલાબેને પોલીસ સામે કબૂલ્યું હતું કે તા. 30મીની રાત્રે મનુભાઈ દારુ પીવાની ટેવ હોવાને કારણે વધુ માત્રામાં દારુ પીને ઘરે આવ્યા હતા અને તેણે લીલાબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ ઝઘડામાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા લીલાબેને પોતાના પતિના માથે ધોકેણું ફટકાર્યું હતું.


 

 

 

 

 

જેના કારણે મનુભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા. મનુભાઈના મોંઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. થોડી વાર પછી મનુભાઈનું શરિર તપાસતા શરિર ઠંડુ પડી ગયું હતું. આથી લીલાબેન ડરી ગયા હતા, જેથી લીલાબેનને જેની સાથે પ્રેમ હતો તેવા મુકેશ પરમારને ફોન કરી ઘરે બોલાવ્યો હતો.

મનુભાઈ મરી ગયા છે તેવું માની તેમણે લાશનો નિકાલ કરવાનું નક્કી કર્યું. મુકેશે ઘરે આવી કોઈને શંકા જાય નહીં તે માટે રાત્રીના સુમારે પાછલા બારણે મનુભાઈની લાશ નીચે ઉતારી રાત્રે 2 વાગ્યે મોટર સાઈકલ પર ત્રણ વ્યક્તિ બેઠી છે તેવું બતાવી લાશને સુલતાનપુર કેનાલમાં નાખી દીધી હતી. ઓસરીમાં લોહી પડ્યું હોવાના કારણે તોરલે ઓસરીમાં નવું લીપ્પણ કરી દીધું હતું. તેમજ મનુભાઈના શર્ટ અને ચપ્પલ ઘરની ખુલ્લી જગ્યામાં બાળી નાખ્યા હતા. પોલીસે આ મામલે દીકરી તોરલ પરમાર, પ્રેમી મુકેશ પરમાર અને પત્ની લીલાબેન પરમારની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ધરપકડ કરી છે.