મેરાન્યૂઝ નેટવર્ક. આણંદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં ઘરફોડ ચોરી અને ઇકોકારની ચોરી કરનાર સિકલીગર ગેંગના બે  માણસોને આણંદ એલ.સી.બીએ ઝડપી પાડ્યા છે. 

આણંદ જિલ્લામાં તાજેતરમાં બનેલા ઘરફોડ ચોરી અને વહાનચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને આરોપીને પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ  તથા પોલીસ અધિક્ષક અજીત રાજયાણ આણંદ વિભાગ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.જી.ચૌધરી અને પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એ.જાદવ એલ.સી.બી આણંદ દ્વારા સ્ટાફની મિટિંગ રાખી ગુનાને અટકાવવા અને આરોપીને પકડવા માટે જણાવ્યુ હતું.

Advertisement


 

 

 

 

 

આણંદ જિલ્લામાં ઘરફોડચોરી અને ઇકોકારની ચોરીના બનાવો બનતા આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આણંદ અને ખેડા જિલ્લામાં ઇકો કારની ચોરી કરી તેનો ઉપયોગ ઘરફોડ ચોરીઓમાં કરી ત્યાર બાદ ગાડીને બિનવારસી હાલતમાં મૂકી દેતા હતા. જેથી પોલીસ તે દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાઓમાં  સિકલીગર ગેંગના માણસો સંડોવાયેલા છે.  અગાઉ જે વિસ્તારમાં વાહનોની ચોરી થઈ હતી તે વિસ્તારના રુટની ચકાસણી  કરી હતી. જેમાં અગાઉ અસંખ્ય ચોરીઓમા પકડાયેલા મહેમદાવાદના કરતાસીંગ ઈશ્વરસીંગ ટાંક અને લખન કરતાસીંગ ટાંક તથા તેના સગરિકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. 

આ બંને આરોપી મહેમદાબાદ થી આણંદ બાઇક લઈને પોતાના સબંધીને ત્યાં આવવાના હોવાની માહિતી મળતા પોલીસએ વોચ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બંનેની તલાસી લેતા લોખંડનું ખાતરિયું, પક્ક્ડ, ડિસમિસ, છરો, બે બેટરી, ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.બંને આરોપીની પૂછપરછ કરતાં આણંદમાં જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરી અને કારચોરીની કબૂલાત કરી હતી.