ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ડોલર વધુ પડતો મજબુત થવા લાગે ત્યારે ઈમર્જીંગ માર્કેટના રોકાણકારોએ સાવધ રહેવું પડશે, તે સિવાય દેશમાં કેપિટલ આઉટફલોની વણજાર લાગશે અને ઘણા વિકાસશિલ અર્થતંત્રોના ડેટ વધું ખર્ચાળ સાબિત થશે. રોકાણકારો પણ જાણે છે કે આખા જગતમાં ડોલર એ સૌથી મહત્વની કરન્સી છે. પણ બહુ ઓછા લોકોને એ ખયાલ છે કે આવી ઘટના બને ત્યારે ઉભરતા અર્થતંત્રોની બજારોમાં થયેલા રોકાણનાં મુલ્ય પર વ્યાપક અને નકારાત્મક અસર ઉભી થતી હોય છે.

માર્ચમાં જ્યારે ડોલર વધુ પડતો મજબુત થઇ ગયો ત્યારે જુદાજુદા ઈમર્જીંગ માર્કેટના શેરભાવમાં ધરખમ ઉથલપાથલ મચાવી હતી. પણ જો વર્તમાન પુલબેક જારી રહેશે, તો તે લાભપ્રદ પુરવાર થશે. દરમિયાન છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ નબળો થઈને ૯૬.૮૯ પોઈન્ટ રહ્યો હતો. જાગતિક વેપારમાં જોખમ પાછું ફર્યું છે, છતાં ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ ઠલવાઈ રહ્યો હોવાથી કરન્સી બજારમાં રૂપિયાને સારો એવો ટેકો મળી રહ્યો છે.

રૂપિયો વધુ પડતો ઉછળકૂદ ન કરે અને વધારે મજબુત ન થઇ જાય તેની તાકેદારી રિઝર્વ બેંક રાખી રહી છે. ફોરેકસ ટ્રેડરો કહે છે કે શેરબજારમાં હકારત્મક વાતાવરણ, ક્રુડ ઓઈલનાં સ્થિર ભાવ, નબળો ડોલર અને ફોરેન ફંડનો સારો ઇનફલો આ બધાજ કારણો રૂપિયાને સારો એવો ટેકો પૂરો પાડ્યો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો ૭૫.૦૨ બોલાયો હતો. આ વર્ષે રૂપિયો અત્યાર સુધીમાં ૪.૭૪ ટકા નબળો પડ્યો, પરિણામે એશિયાની તમામ કરન્સી સામે સૌથી નબળું મૂલ્યાંકન પ્રાપ્ત કર્યું હતું.

કરન્સી એનાલીસ્ટો કહે છે કે ભલે રિઝર્વ બેંક કહે કે અમે કરન્સી બજારમાં અફડાતફડી ખાળવા જ વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કરીએ છીએ, પણ તેના તાજેતરના પગલાં જોતા કહી શકાય કે એશિયન કરન્સી સામે રૂપિયો નબળો પડ્યો હોવા છતાં તે રૂપિયાને કોઈ રીતે વધુ પડતો મજબુત થવા દેવા નથી માંગતી. જો આ જ ધોરણે અમેરિકન ડોલર નબળો ચાલશે, રિઝર્વ બેંક ડોલર ખરીદીથી દુર રહેશે તો મક્કમ શેરબજાર અને ઘટી રહેલા ક્રુડ ઓઇલના ભાવ રૂપિયાને વધુ મજબુત કરવા ટેકેદાર બની રહશે.

રિઝર્વ બેન્કની ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૫૦૦ અબજ ડોલરના વિક્રમ આંકને પાર કરી ગઈ છે, આ રકમ છેલ્લા પાંચ વર્ષની સરેરાશ રિઝર્વ કરતા પણ વધી ગઈ છે. આટલા ડોલર ૧૩ મહિનાની આયાતનું બીલ ચૂકવવા પર્યાપ્ત છે. રિલાયન્સ જીઓને ૧૫.૮ અબજ ડોલર મળવાના છે તેમાંની મહત્તમ રકમનું રોકાણ આવી ગયું છે. કોરોના મહામારીને લીધે વપરાશી માંગ ઘટવા સાથે ક્રુડ ઓઇલના ભાવ ઘટવાને લીધે દેશના આયાત બીલમાં પણ સારી એવી બચત થઇ છે.

એપ્રિલ અને મે મહિનામાં દેશની કંપનીઓએ એક્સ્ટર્નલ કોમર્સિયલ બોરોવિંગ મારફત ૨.૪૯ લાખ ડોલર એકઠા કર્યા છે. અત્યારે જે કઈ વિદેશી હૂંડિયામણનો પ્રવાહ આવી રહ્યો છે તે કઈ દેશના વિકાસમાં પૂર્ણ સમય માટે હિસ્સેદાર નથી, જેવી આયાત વધવા માંડશે કે તુરંત કરંટ એકાઉન્ટ ખાધનો ફુગ્ગો ફુલવા લાગશે. રિઝર્વ બેંક પણ હવે બહુ બધી ફોરેકસ રિઝર્વ જમા કરવાના પક્ષમાં નથી.

(અસ્વીકાર સૂચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝિશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)