મેરાન્યૂઝ નેટવર્ક. જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. ઘટના સ્થળેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચીનગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ બાદ સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના ચીનગામ વિસ્તારને ઘેરી લીધો હતો.

આતંકીઓએ પોતાને ઘેરાઈ ગયાની જાણ થતા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બે આતંકીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. શ્રીનગરના સંરક્ષણ પીઆરઓ અનુસાર, કુલગામ જિલ્લાના ચીનગામ  વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ બે આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. સ્થળ પરથી એક એમ 4 રાઇફલ અને પિસ્તોલ ઉપરાંત દારૂગોળો મળી આવ્યો છે.


 

 

 

 

 


શોપિયાંમાં 12 કલાકની એન્કાઉન્ટરમાં ત્રણ હિઝબુલ આતંકવાદીઓ ઠાર 

બુધવારે શરૂઆતમાં, દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના જૈનપોરાના સુગન ગામમાં 12 કલાકની એન્કાઉન્ટરમાં સુરક્ષા બળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી એક એક 47 રાયફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.

ત્રણે આતંકીઓ સ્થાનિક હતા અને હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતા હતા. મંગળવારે સુરક્ષા દળોને બાતમી મળી હતી કે સાગુન ગામમાં કેટલાક આતંકીઓ હાજર છે. આ પછી, સાંજે સાત વાગ્યે,  44 રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

દરમિયાન એક સ્થળે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. રાત્રિના સમયને કારણે, આતંકવાદીઓ અંધકારમાંથી છટકી જવાના ડરથી સુરક્ષાદળોએ ત્યાં લાઇટ ગોઠવીને સુરક્ષા બંદોબસ્ત કડક બનાવ્યો હતો. આખી રાત બંને પક્ષો દ્વારા થોડી થોડી વારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સવાર થતાની સાથે જ સુરક્ષા દળોએ પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ આતંકીઓએ ફાયરિંગને વધુ તીવ્ર બનાવી દીધી. આ પછી, સુરક્ષા દળોએ એક પછી એક ત્રણ આતંકીઓને ઠાર કર્યા. આ આતંકીઓની ઓળખ સજ્જાદ અહેમદ (માલદેરા, શોપિયન), જુનૈદ રાશિદ (તુમલાહલ, પુલવામા) અને મેહરાજ દીન (અરિગામ, પુલવામા) તરીકે થઇ હતી.