મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ બગોદરા હાઈવે પર ઘણા અકસ્માતો થયા છે. બપોરના સમયે મુખ્યમંત્રી વિજય રુપાણીના ભત્રીજા અને ભત્રિજા વહુને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેમને ઈજા થતાં તેમને તુરંત સારવાર કરાવવા લઈ જવાયા હતા. સામ સામે બે કાર અથડાતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

આજે બપોરે વિજય રુપાણીના સગા ભત્રીજા અનિમેષ રુપાણી અને તેન પત્ની વિમી રુપાણીને બગોદરા પાસે અકસ્માત થયો હતો. કોઈ કારણ સર સામેથી આવતી કાર અનિમેષની કારની દિશામાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા. તુરંત ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું સીટી સ્કેન અને બીજી તપાસ કરવામાં આવી હતી. જોકે તમામ રિપોર્ટ નોર્મલ આવતા તેઓ જોખમમાંથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે છતાં એકાદ દિવસ માટે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.